(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૩) પછી બાપાશ્રી એમ બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટે છે. તે તેજ અતિ શ્વેત છે, શાંત છે, શીતળ અને ઘાટું છે. તેમાં રહી જે મૂર્તિ તે ચંચળ છે. શ્રીજીમહારાજના રોમ તે શું? તો મૂર્તિમાંથી તેજની છટાઓ છૂટે છે અને તેજના અનંત બંબ છૂટે છે. તે મૂર્તિને ચારે તરફ તથા સર્વે ઠેકાણે તેજની ઠઠ છે. તે સામસામી તેજની સેડ્યું દોઢે વળે છે અને અનંત તેજના ઢગલા છે, તે અપાર છે. એવી અલોકિક મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રસબસ રહ્યા થકા પુરુષોત્તમના સંકલ્પે અહીં દેખાય છે. એવા મોટા અનાદિની પાસે આ લોકનું કાંઈ માગવું નહિ.”
એ ઉપર વાત કરી જે, “જેમ હીરા, માણેક, મોતી, ઝવેરાત, રત્ન, ચિંતામણિના વેપારીને કોઈક વેપારી તેની નબળી ચીજનો કોથળો ભરેલો જાળવવાને આપે તો તે મોટા ઝવેરાતના વેપારીને સારું ન લાગે, પણ તે મોટા વેપારી પોતાની મોટાઈ સામું જોઈને મહોબતે કરીને રાખે. તેમ શ્રીજીમહારાજના લાડીલા અનાદિ મહામુક્તને પોતાના દેહની રક્ષા કરવા તથા સકામપણામાં માયિક પદાર્થની ઇચ્છા પૂરી કરવા ભલામણ કરવી તે આ દૃષ્ટાંત દીધા બરોબર છે. વળી, આ જીવને જેટલો મહારાજનો અને મોટા મુક્તનો મહિમા હોય તેટલું સુખ આવે છે અને જેવો મહિમા સમજાય તેવું થવાય છે. માટે મોટાને વિષે આપોપું રાખવું તથા આત્મબુદ્ધિ કરવી તેથી મોટાને સુખે સુખ અને મોટાને દુઃખે દુઃખ થાય. સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ દેહ મૂક્યો ત્યારે કેટલાકને દુઃખ થયું હતું; આત્મબુદ્ધિ એવી કરવી.”
પછી બોલ્યા જે, “જ્યાં પહોંચાડવાના છે ત્યાં જ્યારે પહોંચાડશું ત્યારે મહિમાની ખબર પડશે. આપણે તો સ્વામિનારાયણનાં ગીત ગાવાં. તરવાર માથામાં મૂકે તો પણ ગાવાં અને સાધુ, સત્સંગી, હરિભક્ત કોઈનો અપરાધ ન કરવો. ભગવાનના ભક્તનો અપરાધ થઈ જાય તો જીવ નાશ થઈ જાય છે.”
પછી નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે, “બાપા! શ્રીજીમહારાજના સંબંધને પામેલાં વૃક્ષને પરમપદનાં અધિકારી કહ્યાં છે, તો તે પાધરાં ધામમાં જાય કે તેમને સત્સંગમાં આવવું પડે?”
ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવા જોગમાં આવે તો પાધરા અક્ષરધામમાં જાય; કેમ જે આ સભા દિવ્ય છે. આપણે તો પ્રેમમગન થઈ માનસી પૂજા કરવી, સેવા-ભક્તિ કરવી. તે પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય? તો અતિ હેતે કરીને મૂર્તિમાં જોડાય તો અંગોઅંગને વિષે પ્રેમ પ્રગટ થાય. અને જો શ્રવણ, મનન, નિદિધ્યાસથી આવી વાતો જીવમાં ઊતરી જાય તો જીવમાં સાક્ષાત્કાર થાય. લોચોપોચો રાખે તેથી કામ ન થાય. એક તો વીસ ગાઉ ચાલે અને એક ચાર ડગલાં ચાલે તે સરખો ક્યાંથી આવે?”
“અમારે ત્યાં ભુજમાં શામજીમલ હતા એ ખરેખરા મંડ્યા હતા તે હેતભર્યાં કીર્તન બોલતા આવે, ત્યારે કેટલાક હસે; તોપણ તેનું તેમને કાંઈ નહિ. પ્રથમ તો એ ઘણા આકરા હતા, પણ ઓળખાણ થઈ ને મહારાજ તથા મોટાનો દિવ્યભાવ આવ્યો ત્યારે બહુ સુખિયા થઈ ગયા. ભોળા ને વિશ્વાસી પણ એવા હતા તે બ્રહ્મચારી નિગુર્ણાનંદજીને ઘણીવાર કહેતા જે, ‘મને સેવા બતાવો.’ ત્યારે બ્રહ્મચારી કહે, ‘તમે શું સેવા કરી શકશો?’ ત્યારે તે કહે જે, ‘તમો કહો તે કરીશ.’ પછી એ બ્રહ્મચારીએ સભાનો દિવ્યભાવ સમજાવીને કહ્યું જે, ‘તમારે અહીં બેસીને હાથમાં પંખો રાખી સભાને વાયરો નાખવો ને એમ ધારવું જે શ્રીજીમહારાજ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે અને વાયરેથી છોગું ફરકે છે.’ પછી તો તે એવી રીતે કરતા. જ્યારે બ્રહ્મચારી પૂછે જે, ‘શામજીભાઈ! શું કરો છો?’ ત્યારે કહે, ‘મહારાજને પવન નાખું છું, તેથી શ્રીજીમહારાજનું છોગું ફરક ફરક થાય છે.’ એમ હેત થઈ જવાથી ને મોટાનો મહિમા જણાવાથી ભાવ સાચો હતો તો મુક્ત થઈ ગયા.”
તે વખતે મોહનભાઈએ પૂછ્યું જે, “બાપા! જીવને એવો ભાવ કેમ નહિ થતો હોય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાનો વિશ્વાસ રાખે ને તે કહે તેમ કરે તથા મહારાજની આજ્ઞામાં મંડ્યો રહે તો એવો ભાવ આવે. માથકવાળા કલ્યાણસંગજીને પ્રત્યક્ષ દર્શનનું તાન હતું તે અમોએ મહારાજની મૂર્તિ પાસે લઈ જઈને કહ્યું જે, ‘જુઓ, આ ભગવાન ખરા કે નહિ?’ ત્યારે તે કહે, ‘હા. હવે મારી ખોટ ઓળખાણી.’ આમાં સમજવાનું એ છે કે મહારાજની મૂર્તિ છે તે મહારાજ પ્રત્યક્ષ છે, એવો દિવ્યભાવ સમજવો.”
રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, “સેવકરામ નામનો સાધુ કૃતઘ્ની હતો, પણ મહારાજના હાથથી સેવા થઈ તેથી તેનો મોક્ષ થયો. ભગવાન કે સંત કોઈના અપરાધ સામું જોતા નથી. જે સેવા કરવાનું બતાવ્યું છે તે તો મોક્ષનો માર્ગ છે માટે આપણે સંતની સેવા કરવી ને સંત આપણી સેવા કરે. માવતર છોકરાંની સેવા કરે છે કે નથી કરતા? એમ ભગવાન અને સંત સેવા કરે છે. તે ચોરાસી લાખ ખાણથી જીવને છોડાવે છે, તેથી તેમનો મોટો પાડ માનવો. જીવ કેટલાય જન્મથી ભમે છે. કહો સંતો! ખરો સિધ્ધાંત છે કે ગપાટા દઈએ છીએ?”
પછી સાધુ મુક્તવલ્લ્ભદાસજીએ પૂછ્યું જે, “બાપા! સેવકરામે તો કૃતઘ્નીપણું કર્યું હતું, તોય તેનો મોક્ષ કેમ થયો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સેવકરામને અંત વખતે પણ મંદવાડ બહુ થયો હતો. એના શિષ્યો તે વખતે પાસે હતા, પણ તેની કોઈ સેવા કરી શક્યા નહિ. ત્યારે એ એમ બોલ્યો જે, ‘હું પ્રથમ વેંકટાદ્રિથી રામેશ્વર જતો હતો ત્યાં માર્ગમાં મને ઘણો મંદવાડ થઈ ગયેલ તેથી મારામાં ચાલવા જેટલી શક્તિ રહી નહિ તે ટાણે મને એક નીલકંઠ બ્રહ્મચારી મળ્યા હતા. તેમણે મારી બહુ ચાકરી કરી હતી. તમે આટલા બધા ભેગા થઈને તેમના હજારમા ભાગની પણ ચાકરી કરી શકતા નથી. અરે! હું કેવો અજ્ઞાની કે મેં એ બ્રહ્મચારીને તે વખતે ખાવાનું પણ આપેલ નહિ. અને તમે તો આ મઠના ધણી થઈ બેઠા છો, તોય મારી કોઈ સેવા કરતા નથી. અત્યારે એ નીલકંઠ બ્રહ્મચારી અહીં ક્યાંથી આવે? મેં એ વખતે બહુ ભૂલ કરી.’”
“એમ મહારાજને સંભારી પસ્તાવો કરતો હતો, તે વખતે પોતાનું બિરદ જાણી મહારાજે તેજોમય દર્શન આપ્યાં ને બોલ્યા જે, ‘અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ ને તને તેડવા આવ્યા છીએ.’ ત્યારે તે સેવકરામ અતિ સ્નેહથી કહેવા લાગ્યો જે, ‘અહો! આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા!’ પછી તેના શિષ્યોને બોલાવીને કહ્યું જે, ‘આ ભગવાનનાં દર્શન કરો ને હવે સૌ એમનું ભજન કરજો.’ એમ કહી પ્રાર્થના કરવા લાગ્યો જે, ‘હે નીલકંઠ વર્ણી! તમને મેં આવા ભગવાન જાણ્યા નહોતા, તેથી મારે બહુ અપરાધ થયો. હવે મારો ગુનો માફ કરો.’ એમ પ્રાર્થના કરતો તે દેહ મૂકી ગયો.”
“પછી શ્રીજીમહારાજે તેને સત્સંગમાં જન્મ ધરાવ્યો, પણ મહારાજને જરાય અન્ન આપેલ નહિ; તેથી તેને દેહ રહ્યો ત્યાં સુધી ખાવા-પીવાનું દુઃખ બહુ રહ્યું હતું. પછી શ્રીજીમહારાજ તેને પોતાનો શરણાગત જાણી અંત વખતે દર્શન દઈ અક્ષરધામમાં તેડી ગયા; એવી મહારાજની દયા છે. માટે એવો સર્વોપરી દૃઢ નિશ્ચય કરવો. જો શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિ ધારે તો નિશ્ચયમાં કસર ન કહેવાય. એમ ધારવાથી સાક્ષાત્કાર થઈ જાય.”
પછી એમ બોલ્યા જે, “કેટલાંક મંડળ અક્ષરધામમાં પહોંચાડે તેવી વાતો કરે, અને કોઈક તો અક્ષરધામમાંથી પાછા ખણી લાવે તેનું કેમ કરવું? બધાય લૂગડાં સારાં પહેરે તેથી શું ખબર પડે? પણ રાજાને ઓળખવો જોઈએ. જો ઓળખે તો કામ થાય. એમ જેણે પુરુષોત્તમનારાયણનો સર્વોપરી નિશ્ચય નથી કર્યો, ત્યાં સુધી એ જીવ આડો-અવળો ધોબીના કૂતરાની પેઠે વલખાં મારે છે. તે કૂતરે એમ નિશ્ચય કરેલો કે આ ભીના પગવાળો તે મારો ધણી છે, પણ બીજી કાંઈ ખબર નહિ. પછી ચોમાસામાં સર્વેના પગ ભીના જોઈ એકબીજાની કેડે દોડી દોડી મરી ગયો; તેમ ન કરવું. પુરુષોત્તમનારાયણને ઓળખીને દૃઢ નિશ્ચય કરવો. તેમ સંતને પણ ઓળખવા જોઈએ, પણ રૂડાજીના ભદ્દરની પેઠે ન કરવું. ઉપાસના દૃઢ ન હોય તો એવું થાય.”
“આપણા ધણી કેવડા છે! તોય પણ કેટલાક ચાલોચાલ સત્સંગ કરે છે, તેને ખબર પડતી નથી. તેને તો સાધુ-અસાધુનીયે ખબર નહિ, અવતાર-અવતારીની પણ ખબર નહિ; એમ ન કરવું. મોટા મુક્તને ઓળખવા, નહિ તો ક્યાંય ને ક્યાંય અટકી રહે. દેવલોકમાં, વૈકુંઠમાં કાં તો ગોલોકમાં જ્યાં ત્યાં અટકી રહે પછી આ બધું હાથ ન આવે. મુદ્દો હાથ ન આવ્યો હોય તો એવું થાય.”
“સુખ તો એક મહારાજની મૂર્તિમાં જ છે, તે વિના બીજે ક્યાંય નથી. જેને આ લાભ હાથ આવે તે તો મૂર્તિમાં થીજી જાય, સુખિયો થઈ જાય. આપણે સત્સંગમાં એ કરવા બેઠા છીએ. મોટા અનાદિમુક્તને મન સોંપવું એ કાંઈ રમતવાત નથી. મોટા સંત એ વાત સમજાવે છે, તેથી સંતને મોક્ષના દ્વારરૂપ કહ્યા છે. માટે બત્રીશ લક્ષણે યુક્ત સંત હોય એ અક્ષરધામની વાત કેમ ન કરે? સાડા ત્રણ કરોડ રૂંવાડે રૂંવાડે સ્વામિનારાયણ બોલાય છે. ચમક દેખી લોહા ચળે તેમ અનુભવજ્ઞાને કરી મૂર્તિનું સુખ લેવું. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં જોડાવું.
“જે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવે એ સાધુ ખરા. આ નક્કી કરવું જોશે; હરામના સમ ખાઈને કરવું જોશે. સંત તથા હરિભક્ત મોટા કહેવાતા હોય, પણ આટલું તો જરૂર કરવું પડે. મૂર્તિ વિના માયાનું આવરણ ટળે તેવું નથી. માયા ત્રિગુણાત્મક છે. એ મલિન ગુણનો સંબંધ ન રાખવો. સત્સંગમાં દાસના દાસ થઈને રહેવું, તે વિના તો કોઈ જરાક ગોદો મારે તો ચમકી જાય એવું છે. સરકારે હજારો રૂપિયાના કાગળો છપાવી દીધા તે ચાલે છે, કેમ કે આ લોકમાં તેની સત્તા છે; તેમ શ્રી પુરુષોત્તમનારાયણ તો અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, તે ધારે તેમ કરી શકે. મૂર્તિ રાખ્યા વિના સાજો જન્મારો એમ ને એમ નીકળી જાય, પણ કામ ન થાય.”
“સત્સંગમાં ઘણો માલ છે. મોતી, ઝવેરાત, હીરા ભર્યા છે. જે માલ ખપે તે મળે છે. તેમાં જો ખપવાળો થઈને એક નંગ લે, તો નગરશેઠિયો બની જાય. આ જોગ ને વખત સારો છે. જમાડનારા તો તૈયાર છે, પણ જમનારા જોઈએ. મહારાજની મૂર્તિ વિના ઘડી પણ રહેવું નહિ. મહારાજનો પ્રતાપ બહુ જબરો છે. એ પ્રતાપે શું ન થાય? છ મહિનામાં સિદ્ધ કરવું હોય તો થઈ જાય. રાત-દહાડો મૂર્તિમાં ઝીલતો રહે તે આનંદમાં રહે. કેટલાક જળમાં પડે તોય કોરા રહી જાય, એવા જીવના સ્વભાવ છે. આ વર્તમાન કાળે શ્રીજીમહારાજની બહુ દયા છે તેથી મૂર્તિમાં રહે તે સુખિયો થઈ જાય છે. વ્યવહારમાં થોડો રહે તેનું કાંઈ નહિ, પણ ભગવાનની આજ્ઞામાં તો રહેવું જ. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ ને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ તથા ભૂત, ભવિષ્ય, વર્તમાન એ સર્વે કાળમાં મૂર્તિમાં જ રહેવું. આ વાત સર્વેને માટે છે; કેમ કે મહારાજ ને મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે.”
“હીરા, માણેક, મોતીની દુકાનમાં ભાગ રાખે તેને બહુ લાભ મળે અને તે શેઠિયો થઈ જાય; પણ હળદર-મરચાની દુકાનમાં ભાગ રાખે તો આખા દિવસમાં બે-ચાર આના મળે, તેમાં શું? માટે ખરેખરો સત્સંગ કરવો. ત્રો, ત્રો ન કરવું, એમાં કાંઈ વળે નહિ. મોટા સદ્ગુરુ કેવા! મોટા હરિભક્ત કેવા! જોગ અને ટાણું સારું છે, કહેનારા સારા છે. આ ટાણે જે ખપે તે લેતા જાય. આવા મહારાજ, આવા મુક્ત, આવી સભા, આ સર્વે અક્ષરધામનો સાજ છે.” ।।૯૭।।