(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૪) સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “શ્રીજીમહારાજને રાજી કરવા માટે એ દિવ્ય મૂર્તિનું ધ્યાન જરૂર કરવું પડશે.”
ત્યારે હીરાભાઈએ પૂછ્યું જે, “બાપા! ધ્યાન કરવા બેસીએ છીએ તે થોડીવારમાં જાણે કેટલીય વાર થઈ ગઈ. અંતરમાં આગ્રહ તો હોય, પણ કલાકના કલાક બેસી શકાતું નથી એનું કારણ શું હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં જોડાવાનો ખરેખરો આગ્રહ નથી અને આગ્રહ છે તોપણ તે વાચ્યાર્થ છે. જીવને ખપ તો હોય, પણ ખપમાં ફેર છે. જુઓને! હીરો ખોવાણો હોય તો રાત્રિ-દિવસ શોધ્યા કરે અને તે ન જડે ત્યાં સુધી કેવો વ્યાકુળ થઈ જાય! તેમ આગ્રહ હોય તો ધ્યાનમાં બેસાય. પછી ધ્યાન કરતાં સમુદ્રના જેવા તરંગ ઊપજે છે તે પણ મટી જાય. માટે ધ્યાન કર્યા સિવાય છૂટકો નથી. એ તો જરૂર કરવું પડશે. તે જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા મંડે તો ત્રણે શરીર ટળી જાય ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય; એવો મૂર્તિનો પ્રતાપ છે.”
“આજ મહાપ્રભુનું સુખ બહુ જ સોંઘું છે, મહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન તેના ફુવારા છૂટે છે તે જ્ઞાનથી મહારાજ ને મુક્ત મૂર્તિમાં ખેંચી લે છે. તે સુખ અનાદિ, સનાતન, અનંત ને અપાર છે. જેને એક મહારાજને સુખે સુખિયા થવું હોય તેને તો એ સુખ તરત આવે એવું છે. પણ માંહી બીજું રહી જાય છે તેથી એ સુખ મળતું નથી. રોટલો તથા શેરડીનો કૂચો બેય ભેળું થાય એટલે સુખ ક્યાંથી આવે? આ સભામાં તો મહારાજ, અનાદિ, સંત, હરિભક્ત સર્વે છે. આ દિવ્ય સભા છે. આ સભાની વાત શું કહેવી? મહારાજ કહે છે કે, ‘આ સભાનું કર્યું સર્વે થાય છે.’ આ સર્વે દિવ્ય મૂર્તિઓ છે. આ મુક્ત તો ગૌમુખી ગંગા છે તે ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે; માટે મહિમા સમજીને તેમનો જોગ કરવો.”
“જેમ ગૃહસ્થને દ્રવ્યની ને પુત્રની આલોચના રહે છે, તેમ આપણે મહારાજની આલોચના રહે તો મૂર્તિ સન્મુખ થઈ જવાય; માટે ઘણો જ વિચાર જોઈએ. તેમાં પણ કોઈ પ્રકારનો અહંકાર આવવા દેવો નહિ. મૂર્તિથી જુદા પડવું નહિ. મૂર્તિમાં રહીને સર્વે ક્રિયા કરવી, તે પણ પ્રસન્નતા માટે કરવી, તેથી કચરો ને કંચન સમાન થાય છે; એવી રીતે વર્તે તે જ સાધુ કહ્યા છે. માટે શબ્દને બારોબાર રજા દેવી નહિ. આપણે મોટી વસ્તુ લેવી છે તેથી શૂરવીર થઈને આજ્ઞારૂપી કોટમાં રહીને અંતરશત્રુને જીતીએ ત્યારે મહારાજની મૂર્તિ મળે. ત્યાગીને ધર્મામૃત ને નિષ્કામશુધ્ધિ પ્રમાણે રહેવું અને ગૃહસ્થ હરિભક્તને શિક્ષાપત્રી પ્રમાણે રહેવું; તો શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવે, પણ તે વિના આવે નહિ. તે વિના સુખની આશા કરે છે તે સર્વે વલખાં છે.”
“આપણે મહારાજનો અને અનાદિ મહામુક્તનો મહિમા તથા જશ ગાતા જઈએ જે આવા ગોપાળાનંદ સ્વામી, આવા મુક્તાનંદ સ્વામી, આવા બ્રહ્માનંદ સ્વામી, આવા ગુણાતીતાનંદ સ્વામી, આવા નિષ્કુળાનંદ સ્વામી, એ આદિક મોટા મોટા તપ કરીને નિર્વાસનિક થઈને સુખિયા થઈ ગયા. પણ તેમણે તો જેમ જનુની ઓસડ ખાઈને બાળકને નિરોગી કરે છે; તેવી રીતે પોતે તપ કરીને, ભક્તિ કરીને મુમુક્ષુને બળિયા કર્યા અને મોટા મુક્તોને રાજી કરવાની તથા મહારાજને પામવાની રીત દેખાડી. એ મહા મુક્તો મૂર્તિમાં રસબસ રહેતા ને સદાય એ સુખ ભોગવતા, તોપણ આપણા મોક્ષને અર્થે એમણે સર્વે કરી દેખાડ્યું એમ જાણવું.” ।।૯૯।।