Gujarati / English

સંવત ૧૯૭૬ના શ્રાવણ માસમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ બાપાશ્રીને મૂળીએ તેડી લાવવા કચ્છમાં ગયા હતા. ત્યાંથી બાપાશ્રી પચાસ હરિજનોએ સહિત મૂળી પધાર્યા અને ત્યાંથી ભુજના રાજાના હજૂરી ઘેલાભાઈ તથા ધનજીભાઈ આદિ પાંચ હરિજનોને શ્રીયુત્ મહારાજશ્રીને તેડવા અમદાવાદ મોકલ્યા અને કહેરાવ્યું જે, “તમે અહીં આવો. અમે તમારું સારી રીતે સમાધાન કરીશું.” તોપણ તે આવ્યા નહિ. પછી બાપાશ્રી કચ્છમાં પધાર્યા. તેમને મૂકવા સારુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ ગયા હતા.

ભાદરવા વદ-૧૦ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારેનું સ્વરૂપ સત્પુરુષના સમાગમે પમાય છે, પણ તે વિના શાસ્ત્રમાંથી પોતાની માયિક બુદ્ધિએ કરીને પમાતું નથી. શાસ્ત્ર તો દિશ બતાવે છે, પણ મોટા મળે ત્યારે વાસ્તવિક સમજાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે મહારાજની તથા અનાદિમુક્તની શક્તિઓ છે, તે સત્પુરુષના સમાગમે કરીને જીવને વિષે આવે છે, ત્યારે જીવને મુક્ત કરે છે. જેમ આંબા આદિ ઝાડમાંથી ફળ થાય છે તેમ મૂર્તિમાંથી ને મુક્તમાંથી એવા અનંત ઐશ્વર્ય પ્રગટ થાય છે ને લીન થાય છે.”

પછી કેટલાક સંતોને ઊંઘતા જોઈને બોલ્યા જે, “સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સભામાં ઝાંપડી આવી છે, તે આવવા દેવી નહિ. એક સમયે મુક્તાનંદ સ્વામીને ઊંઘ આવી ત્યારે મહારાજ કહે, ‘ઝાંપડી આવી, માટે સ્નાન કરી આવો.’ પછી તે સ્નાન કરી આવ્યા. અને અક્ષરજીવનદાસજી સ્વામીને જ્યારે ઊંઘ આવતી ત્યારે લોઢાનો ખીલો ઘૂંટીમાં મારતા, એવો ખટકો રાખવો.

“એક સમયે બદરિનાથાનંદ સ્વામી અહીં આવ્યા હતા, તેમના એક સાધુ ઊભા ઊભા ઊંઘતા હતા તે તાસડાના કાંઠા ઉપર પડયા ને તાસડો ઊભો થયો ને દીવાને ભટકાઈને સાધુ ઉપર પડયો તેથી દીવો ઓલાઈ ગયો ને સાધુને વાગ્યું; એવી ઊંઘ છે. તે જો આ કથા-વાર્તામાં ચિત્ત રાખે તો ઊંઘ ન આવે. રામપરાના હરિભક્ત ભવૈયા જોવામાં ચોયણામાં લઘુ કરી ગયા, એવું તાન માયામાં છે; તેવું હેત કથામાં કરવું. અને ગઢડામાં એક હરિભક્ત વાતો સાંભળવામાં એક વૃત્તિ રાખીને લઘુ કરવા ન ઊઠયા ને પેડું ફાટીને લઘુ નીકળ્યું, એવી આસક્તિએ સહિત વાતો સાંભળતા. ત્યારે કોઈ કહે જે, ‘લઘુદ્વારે લઘુ નીકળે, પણ પેડું કેમ ફાટે?’ તો એ તો શ્રીજી મહારાજે જણાવ્યું જે આમને આવું હેત વાતોમાં છે. માટે એવું હેત રાખવું અને ત્રિવિધ તાપે પણ અંતર ડોલવા દેવું નહિ એમ વર્તવું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “સમાધિવાળાને સમાધિ દેહમાં થાતી હશે કે જીવ દેહથી બહાર નીકળતો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અંતઃકરણમાં જીવ રહે છે ત્યાં જ સમાધિ થાય છે એટલે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જીવ જાય છે તે સૂક્ષ્મ દેહમાં રહીને સર્વેને જુએ છે; અને એ પાછો સ્થૂળ દેહમાં આવે છે તે વિષયની આસક્તિથી અવાય છે. અને જે કોઈકના સમાસને અર્થે સમાધિ કરતા હોય તે તો સ્વતંત્રપણે જાય, આવે, લઈ જાય, લાવે; એ તો સમર્થ કહેવાય. એ તો ઘણા જીવોને સમાસ કરવા માટે પોતે સ્વતંત્ર સમાધિ કરે, તેમાં બીજા જીવને સમાસ બહુ થાય.

“અમે એટલા સારુ સમાધિ કરતા, પણ અમે તો સદાય મૂર્તિમાં ઝીલીએ છીએ, તે કેટલાકના જાણ્યામાં ન આવે. સમાધિ કરીએ ત્યારે ઘણા જીવને આશ્વર્ય થાય જે સમાધિવાળા છે તે બહુ મોટા છે, પણ મૂર્તિમાં ઝીલીએ તેમાં આશ્વર્ય ન થાય; કેમ જે એ કોઈના દેખ્યામાં ન આવે. માટે સમાધિ કરીને પ્રખ્યાતિ કરી અને હવે વાર્તા કરીને જ્ઞાન આપીને મોક્ષ કરીએ છીએ.

“અમે જન્મ્યા નથી અને આ લોકમાં છીએ પણ નહિ; સદા મૂર્તિમાં જ છીએ. તે શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘માતાના ઉદરમાં મૂર્તિ દેખતા’, તે મુક્તની સ્થિતિ કહી  છે. આજ આવા મોટા પુરુષને મહારાજે મોકલ્યા છે, માટે આ દાવ હારવો નહિ. આ શબ્દ જીવમાં ઉતારતા આવો તો જીવ પાત્ર થતો આવે. આ વખતે શરદઋતુ છે. જો આ વાતોમાં આતુરતા હોય તો મહારાજની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય ને એક એક શબ્દ લાખ-કરોડ રૂપિયાનો થઈ પડે. જો આ શરદઋતુ જાણી હોય તો જેમ ફળ-પુષ્પની ઉત્પત્તિ થવાની ઋતુ આવે છે, તેમ આ મોક્ષની ઋતુ આવી છે. અમારા મુખમાંથી વચન આવે છે તે શ્વાંત છે, તેને ઝીલનાર હોય તો કાંઈનાં કાંઈ ફળ પાકી પડે. બીજા અવતારો હતા તે શરદઋતુ ન કહેવાય. આજ શરદઋતુ ખરી આવી છે, તે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જે, ‘શરદઋતુમાં આવે જો શ્યામ રંગભર રમીએ.’ આ સંત અક્ષરધામનો દરવાજો છે. અમે શ્રીજીના મુખમાંથી લઈને સુખ પ્રવર્તાવીએ છીએ અને મૂર્તિમાંથી લઈને વાતો કરીએ છીએ ને મૂર્તિનો રસ પ્રવર્તાવીએ છીએ; એ શ્વાંત વરસાવીએ છીએ, તે કંઈકનાં કામ થઈ જાય છે.

“સાધુ થઈને સંત થાવું. જે શ્રીજી મહારાજની મૂર્તિના સુખનો આહાર કરે તે સંત થયા, માટે સંત થાવું. અને મહારાજની મૂર્તિમાં ને આ મુક્તમાં વળગ્યા રહે તો સંત થવાય. જેમ વડવાનળ (અગ્નિ) સમુદ્રનું જળ મીઠું કરીને વરસાવીને ચાર ખાણના જીવોને સુખિયા કરે છે તેમ આ મુક્ત જીવોને સુખિયા કરે છે; માટે સમજીને મહિમા જાણીને સંગ કરવો તો કામ થઈ જાય.

“સાધુને બે વાત જે જડ ને ચૈતન્ય માયા, તેને હરામ કરીને સાધુ થાવું. આગળ મોટા મોટા સંત ગોળા જમતા, વનમાં રહેતા, જીવડાં કરડે તેને ઉડાડતા નહિ, ને બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે ગોળો મળે તોપણ આનંદમાં રહેતા ને મૂર્તિના સુખે સુખી રહેતા. તે મોટેરા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કોઈ દિવસ છાશ કે ગળ્યું કે રહેવાનું કે લૂગડાં તે દેખતા નહિ તોપણ આનંદમાં રહેતા; માટે આપણે પણ એવા ઠરાવ રાખવા. અને આવાં મોટાં મંદિરો કર્યાં, પણ એક ખીંટી સરખીય પોતાની કોઈએ રાખી નથી; તેમ જ આપણે પણ એ મોટા રાખી ગયા તેમ રાખવું.

“ગૃહસ્થને આવી હવેલીઓ ન હોય ને પત્તરમાં જે જમવાનું આવે છે તેવું જમવાનું પણ ગૃહસ્થને ન હોય તોપણ ઊઠીને ભાગવા માંડે એ કેવા કહેવાય? દુઃખના દરિયામાં દોટ દે એવી ઊંધાઈ જીવને છે.

“એક બ્રહ્મચારી મૂળીમાં હતા તે ઘેર ગયા, તે વખતે સ્વામી હરિનારાયણદાસજીએ મને કહ્યું હતું જે, ‘એને સમજાવો. બિચારો દુઃખિયો થશે.’ તે સમજાવ્યો, પણ રહ્યો નહિ ને એને ઘેર કોઈ હતું નહિ તોપણ ગયો; એવા જીવ ઊંધા છે.

“માટે ‘શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ જેવા હતા તેવો હુ થાઉં’ એવા ઠરાવ કરવા, પણ ઊતરતા જેવાના ઠરાવ ન કરવા. અને ગૃહસ્થોએ પણ પર્વતભાઈ તથા દાદા ખાચર હતા, તેમના જેવા થવાના ઠરાવ કરવા, પણ આ લોકનાં સુખના ઠરાવ ન કરવા. ‘સર્વસ્વ  ભગવાનને અને સંતને અર્પણ કરી દઉં’ એવા ઠરાવ કરવા.

“સાધુએ ઠાકોરજીની તથા સંતની ચંદન, પુષ્પ ને ફળ, જળે કરીને સેવા કરવી; પણ સાધુ કથા-વાર્તા, કરતા હોય તેને સાધુએ ધોતિયાં ઓઢાડવાં નહિ. એક ત્યાગીએ મુંબઈથી લૂગડાં મંગાવીને પહેર્યાં, તે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એની ઘણી વલે કરી, પણ મોહ ન મુકાય. અમારે અહીં હીરો ભક્ત હતા, તેની પાસે સાધુએ જીરું મંગાવ્યું તે કેરા ગામમાં જઈને લાવી આપ્યું. એવો સ્વાદ રાખે તેને આ વાત શું સમજાય ને ક્યારે ભગવાનમાં પ્રીતિ થાય! ને ક્યારે સાધુ થવાય! ને ક્યારે મહારાજ મળે! ને ક્યારે મોક્ષ થાય! એ બધુંય વિચારવાનું છે. માટે એવું કામ ન કરવું. આગળ સંતો ગોળા જમતા તેમાં કોણ જીરું નાખતું હતું? માટે એવા રાગ ટાળીને મહારાજ ને મુક્ત સાથે જોડાવું તો મોક્ષ થાય.”  II ૨૧૦ II

In the Samvat 1976, in the month of Shravan, Swami Ishwarcharandasji, etc went to Kutch to bring Bapashri to Muli. Bapashri along with fifty devotees came to Muli. From there Ghelabhai and Dhanjibhai, the attendant of king of Bhuj and five devotees, etc were sent to Amdavad to bring Shreeyut Maharaj, with the message to come to Muli, we shall satisfy you properly to clear misunderstanding but he did not come. Then Bapashri went to Kutch. He was escorted by Swami Ishwarcharandasji and saint Muktavallabhdasji and Ashabhai.

            On the 10th day of Bhadarva Vad, 21st Vachanamrut of first chapter was being read in the assembly. In it, it is said that God is pleased by dharma, knowledge, renunciation and worship. Bapashri said, “Dharma, knowledge, renunciation and worship all four are properly understood by associating with satpurush (mukta). However, it cannot be understood with our illusive intellect from scriptures. The scripture show the path. But when you meet Muktas, it can be understood in reality. Dharma, knowledge, renunciation and worship are the strength of Maharaj and Anadi Muktas. When it comes through the association of satpurush/Muktas in Jiva and Jiva is liberated. Just as trees like mango, etc. bear fruits, similarly infinite miracles emit from Murti and Muktas and merge in them. On seeing saint sleeping, Bapashri said Swaminarayan, Swaminarayan; sleep has come in the assembly. It should not be allowed to come. Once Muktanand Swami fell asleep then Maharaj said, “Sleep has come so go and have bath.” Then he came after bath. When Aksharjivandasji would fall asleep, iron nail would be thrust in his shinbone by himself such care should be taken. Once Badrinathanand Swami had come. One of his saint was sleeping in standing position and fell on the edge of tasdo (kind of vide vessel). The vessel turned and strike the lamp fell on saint so the lamp was put out and saint was injured-such is sleep. If mind (chit) is engaged in katha, varta, one will not fall asleep. Devotee of Rampara urinated in his (trousers) payjama while seeing folk-drama (bhavaiya)-such is the attraction of illusion. Such love should be kept in katha. Same thing happened with a devotee in Gadhada while he was engrossed in talks. He used to listen to talks with such fascination. Someone ask how can such thing happen? Shriji Maharaj said, “He has such love in talks therefore such love should be kept and one should not become unsteady even in agonies of three kinds (aadhi, vyadhi, upadhi)-and should behave in this way.

Then Swami Ishwarcharandasji said, “Does samadhi (trance) occur in body or Jiva comes out of body?”  Bapashri said, “Jiva dwells in conscience and trance takes place there means Jiva goes from physical body to subtle body and dwelling in it, sees everything and then comes back to physical body because of attraction for objects/ passion. And if trance is being done to get attached with someone or something, he goes independently, comes, takes away, brings-he is said to be capable. Someone himself does independent trance for getting attached by many Jivas. In it, other Jivas get much benefit/attachment. I used to do trance for this purpose but I am always in Murti and many may not know it.  When I go in trance many jivas are surprised and would say he is very great because he goes in trance but they will not be surprised if I dwell in Murti because no body can see it. Formerly I got fame because of trance and now I am liberating them by giving knowledge through my talks. I was not born and I do not belong to this world, I am always in Murti. Shriji Maharaj in the 13th Vachanamrut of middle chapter has said, “Murti was seen in womb of the mother- this is called the state of Mukta. Today Maharaj has sent such a great person so do not miss the opportunity. If you go deep in this word, Jiva will become worthy of it. If there is eagerness for this talk, fruit in the form of Maharaj’s Murti will be achieved and every word will become worth crores of rupees. If this is known as autumn, the season of fruits, flower will follow. Similarly, this is the season of salvation. The words coming from my mouth are like swant constellation and if someone is there to grasp them, many fruits will ripen. There were other incarnation but they are not called autumn. Today real autumn has come. Brahmanand Swami said, ‘sharad rutu ma aave jo shyam rangbhar ramiye.’- If shyam comes in autumn, we will play with colour. The saint is the entrance door of Akshardham. I propagate/ spread happiness taking it from the mouth of Shriji and also from Murti and talking and spreading happiness of Murti and showering swant, so that many are fulfilled. One should become saint after becoming sadhu. The one who enjoy the bliss of Shriji Maharaj’s Murti become saint so be saint, and if you get attached to Maharaj’s Murti and this Mukta you become saint. Just as the vadvanal (fire) makes the seawater sweet and make happy four kinds of Jiva (swedaj, udbhij, andaj, jarayuj etc.) through rainwater. Similarly, this Mukta makes Jiva happy. Therefore, if you associate by understanding greatness, you will be fulfilled. Saints should avoid animate and inanimate illusion (maya) and then he should become saint. Formerly great saints used to eat flour added with water. Dwelt in forest, and would not make insects fly away even if they would bite and even if they would get flour after two days, three days, or four days, they would be happy and were blissful in the bliss of Murti. Sadguru Muktanand Swami, Gopalanand Swami, Brahmanand Swami would not sometimes get buttermilk, sweet, dwelling place or clothes. Even then, they were happy. Therefore, we should also have such resolution. They got such big temple constructed but did not keep anything for themselves. Similarly, we should follow their example. If the householder does not have such bungalows and food, which served in platter (dish), he would run away –what type of man is he? Jiva likes to run to the misery of sea- such is the nature of Jiva. A brahmchari of Muli renounced his saffron clothes and went home. Swami Harinarayandasji requested me to persuade him but no effect. There was nobody at his house even then he went-Jiva is of such type. Therefore, our resolution should be like that of Shree Gopalanand Swami, Muktanand Swami, Brahmanand Swami and should try to become like them. But our resolution should not be like that of low thinking people. Householder should also keep resolution like of Parvatbhai and Dadakhachar but should not keep resolution for happiness of this world. Resolution should be of dedicating everything to God and saints. Saint should serve Thakorji and other saints with sandalwood paste, flower, fruits and water. But saint should not offer dhoti to saint doing katha-varta. Once a renouncer got clothes from Mumbai and worn. He was very much scolded by Sadguru Shree Nirgundasji Swami. But fascination is not given up. Here there was a devotee named Hirobhakta. A saint asked him to bring cumin. He went Kera and brought it for saint. If he has love for such a taste how he can understand this talk and when he can develop love in God and when become sadhu- when he can meet Maharaj- when he can get salvation. All this has to be thought about. Therefore such thing should not be done. Formerly, saints used to eat gola (flour added with water)-who was adding cumin in it. Therefore, such passion should be avoided and should get attached to Maharaj and Muktas in order to get liberation. || 210 ||