Gujarati / English

વૈશાખ સુદ-૩ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “બીજુ બધું થાય, પણ સાધુ થાવું એ ઘણું કઠણ છે. એ તો ધર્મામૃત પ્રમાણે વર્તીને કામ, ક્રોધ, લોભ,  માન, મત્સર આદિક દોષ ટાળીને આત્માને વિષે મૂર્તિ સિદ્ધ કરે ત્યારે સાધુ કહેવાય; પણ ભગવે લૂગડે સાધુ ન કહેવાય. જીવ પંચવિષયના ને આ લોકના સુખ સારુ લઢી મરે છે, પણ ભગવાન સારુ કોઈ લઢતું નથી. ચાર દિવસ રહેવાનું તેને અર્થે કજિયા કરે એવા અવળા સ્વભાવ છે. પૃથ્વીના, ધનના, લેવાદેવાના, ખાધાના એવા કેટલાએ પ્રકારના ટંટા છે. આ લોકમાં તુચ્છ સુખ સારુ લઢી મરે છે ને પાછું ફેર ભોગવવા તો આવવું નથી.

“માટે જેને મહાપ્રભુજી પામવા હોય તેણે ‘આ લોકમાં છોકરાં શું કરશે? માટે કાંઈક ધન, વાડી મેળવી આપું’ એમ કદી ઈચ્છવું નહિ. જીવથી તો કાંઈ બની શકે તેમ નથી. ‘મેળવી આપું’ એમ જે જાણે અને તે સત્સંગી હોય તોપણ તે અજ્ઞાની છે. કોઈક્ને મહારાજ તેડી જાય તેના કેડે શોક કરે જે, ‘હમણાં શ્રીજી મહારાજે રાખ્યો હોત તો સારું’ તે કેવું છે? તો ચક્રવર્તી રાજ્ય મળે તોપણ સરપટાના ભારા ઉપાડવા મેલે નહિ તેવું છે; પણ એમ ન જાણે જે અક્ષરધામમાં શ્રીજી મહારાજનું સુખ તો મહા અલૌકિક છે અને માયિક સુખ તો કુશકા કૂટ્યા જેવું છે. જીવે દુઃખને વિષે સુખ માની લીધું છે તેથી શોક કરે છે. માટે એ અજ્ઞાન ટાળવું. શોક તો જ્યારે મહારાજની આજ્ઞા લોપીને કોઈકનો દેહ પડ્યો હોય ત્યારે જ કરવો જે, ‘એણે મહારાજની આજ્ઞા લોપી છે તેથી મહારાજ  એ બિચારા ઉપર કુરાજી થયા હશે તો એની શી ગતિ થશે?’ એવો શોક કરવો.

“આ જીવને મહારાજના અલૌકિક સુખમાં વૃત્તિ ચોંટતી નથી ને માયિક દુઃખમાં વળગી રહે છે. તેણે આત્માનું નુકસાન કર્યું; માટે આત્મઘાતી થયો. તે પંચ મહાપાપીથી પણ ઘણો પાપી છે, શા માટે જે ચોરાશીમાં આથડવું પડે. મહાપ્રભુજી વિના બીજે હેત રહે તે મોટું પાપ છે, જેમ ભરતજીને મૃગનો દેહ લેવો પડ્યો તેમ. રબારીનો છોકરો મરે ત્યારે રુએ તે એમ બોલે જે, ‘કાગડો થઈને દૂધ પીવા આવજે અને વાઘ થઈને બકરું ઉપાડવા આવજે’ એ અજ્ઞાન છે. તેમ જ સાધુને શિષ્ય મરે ત્યારે શોક કરે જે, ‘એવો નહિ મળે’ ને પદાર્થ, પુસ્તક, આસન, તુંબડી એ આદિક પદાર્થ સારુ કજિયા કરે તે પણ રબારી જેવો જ અજ્ઞાની છે.

“આપણે અહીં એકવાર મૂળીના પુરાણી સાધુ ત્યાગવલ્લભ-દાસજી હાલ જે વઢવાણ ગયા તે આવ્યા હતા ને અહીં બેઠા હતા. આ ઈશ્વર બાવો જોડે બેઠા હતા. એવામાં દેવરાજભાઈ રામપરાવાળા આવ્યા. તેમને બહુ આનંદભર્યા જોઈને અમે કહ્યું જે, ‘તમે આનંદમાં છો તેનું કારણ આ ત્યાગવલ્લ્ભદાસજીને કહો.’ ત્યારે તે બોલ્યા જે, ‘શ્રીજી મહારાજે ને તમે મારા ઉપર બહુ દયા કરીને મારે માથેથી અર્ધી વેઠ ઉતારી જે બે દીકરા ને એક મારાં માતુશ્રી તેમને મહારાજ અને તમે ધામમાં લઈ ગયા. હવે એક ઘરનું મનુષ્ય ને બે દીકરા છે એટલી વેઠ રહી છે. તેનું જેમ મહારાજની અને તમારી મરજી હોય તેમ કરો; પણ અત્યારે તો અર્ધો ભાર ઊતર્યો તેનો આનંદ છે. ભુજ જઈને ત્રણ રસોઈઓ દઈને આપનાં દર્શને આવ્યો.’

“ત્યારે અમે કહ્યું જે, ‘કેમ ત્યાગવલ્લભદાસજી! તમારા ચેલા ધામમાં જાય તો કેમ થાય?’ ત્યારે ત્યાગવલ્લભદાસજી કહે જે, ‘આવું તો મારાથી ન રહેવાય.’ પછી અમે બોલ્યા જે, ‘આ દેવરાજભાઈ આખો દિવસ વાડીનું કામ કરે છે અને રાત્રિએ રાત્રિએ અમારી પાસે આવીને સમાગમ કરી જાય છે ને નિયમ એકે ચૂકતા નથી એવા બળિયા છે અને મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે.’

“જો મૂર્તિ રાખે તો સુખી થવાય. આ લોક થોડાક દિવસમાં સમેટીને પૂરું કરી જાવું. લોક તો કદાપિ સમેટાય, પણ દેહ સમેટાતો નથી. વખાણ છે તે તાવમાં સાકર પાયા જેવું છે. આ જીવમાં લાખ કરોડ દોષ હોય ને સાજા દોષનું જ ઝાડ હોય ને એક પણ ગુણ ન હોય તોપણ પોતાને સવા શેર માને એવો અવળો છે. સત્સંગમાં નભ્યો જાય છે તેનું કારણ એ છે જે એને કોઈએ ટોક્યો નથી માટે નભે છે; જો ટોકે તો જતો રહે. માટે એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને જેમ ભગવાન ને સંત કહે તેમ કરવું; તો દોષ માત્ર ટળી જાય ને મહા સુખિયો થઈ જાય.”  II ૪૭ II

On the noon of Vaishakh Sud 3rd Bapashri, showing his favour, talked.  He said, “Every thing is possible but to become a saint is very difficult.” To become saint he has to behave as per commands of Dharmamrut and has to avoid short comings like passion, anger, greed, honour, jealousy, etc.  He should realize Murti in soul.  Then only he is called a saint otherwise by merely wearing saffron clothes he can not be called saint.  We are mad after five senses and for the happiness of this world, we quarrel with others for it, but nobody quarrels for achieving the goal i. e. God.  The life is very short, if we quarrel for those items, it is perverted nature.  There are quarrels for land, wealth, borrowing, and lending, food, etc.  We quarrel for the trivial happiness. We are not going to come back for enjoyment after death.  Therefore, one who wishes to realize Mahaprabhuji should not worry for his children and we should not desire to get wealth, farm, etc. for them.  It is not possible for Jiva to get all these things.   If he thinks he can get them, he is ignorant even though he is satsangi. If Maharaj takes someone to Akshardham and after his death if his relatives regret for his departure and wish that it would have been better if Shriji Maharaj  had kept him for some more time. This is just like wood cutter continuing to carry firewood even after becoming sovereign king.  The satsangi does not know that the happiness of Shriji Maharaj in Akshardham is very divine and illusive (mayik) happiness is like pounding husk of paddy. Jiva take misery as happiness so he regrets. This kind of ignorance should be given up.  When some one leaves this world after violating Maharaj’s command, then only we should regret for him because since he had violated His command what fate he will meet in case Maharaj is displeased with him.  Such type of regret is essential.  The tendency of Jiva is such that it does not allow to stick to the divine happiness of Maharaj and gets him stuck in illusive (mayik) misery.  He has damaged the soul so his act is suicidal.  He is more sinner than the sinner who has committed five sins.  This is so because he has to take rebirth in eighty-four lacks species (yonies).  Having love elsewhere except Mahaprabhuji is great sin.  Just as Bharatji was required to take rebirth as a deer . When the child of shepherd dies he cries and says be a crow and come to drink milk and be a tiger and come to carry goat- this is ignorance.  Similarly when a disciple of saint dies he expresses sorrow and says that he will not get such a disciple and then he quarrel for things, books, space (aasan), pot, etc- he is as ignorant as a shepherd. 

Once Purani Saint of Muli named Tyagvallabhdasji who had gone to Vadhvan came at Baladia and he was sitting there.  Ishwarbava was sitting with him. In the meanwhile Devrajbhai of village Rampara came.  By seeing him very happy I told him to give reason of happiness to Tyagvallabhdasji. Then he said, “Shriji Maharaj and you have shown great pity on me by taking my mother and my two sons to Akshardham. Thus half of my  botheration was removed. Now I have the responsibility of only  my wife and two sons. That much botheration is there.You and Maharaj do whatever you like for them but at present you have lessen half of my burden and for that I am happy. I came for your darshan after donating the cost of meals to be served thrice to Bhuj temple.  Then I asked Tyagvallabhadasji, “How will you feel if your disciple goes to Akshardham?”  Tyagvallabhdasji said, “I can not bear this.” Then I said, “Devrajbhai works in the farm the whole day and at night daily comes to me for my preaching and never misses a single command-such is his faith and he is happy with the happiness of Maharaj’s Murti.  If one keeps Murti, he can be happy.  Every thing of this world should be wound up in a few days.  Perhaps it can be wound up but the attachment of body can not be wound up. Praises of this world are like giving sugar in fever. He has innumerable faults and there is not a single virtue but even then he takes himself as superior such is his crooked nature.  He has continued in satsang because nobody has so far rebuked.  In case he is rebuked he will leave satsang.  Therefore, such crooked nature must be given up and should behave as told by saint and God, if one behaves so all his faults will disappear and will become very happy. || 47 ||