Gujarati / English

આસો વદ-૭ને રોજ સવારે વૃષપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી.

ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “મહારાજ અમને ઠેલી ઠેલીને પોતાનો મહિમા કહેવા સારુ મૂકે છે તેથી મહારાજનો મહિમા જેવો છે તેવો કહીએ છીએ, પણ એ મહિમાની વાતો કેટલાક સમજી શકતા નથી તેથી સંશય કરે છે જે, તમે આમ કેમ કહો છો? તેઓ મહારાજનો મહિમા, ઐશ્વર્ય, પ્રતાપ જેવો છે તેવો જાણી શકતા નથી તેથી એમ બોલે છે. આગળ પણ જેને સંશય થતા તે માનતા નહિ.”

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “બાપા! શ્રીજી મહારાજ સાથે આવેલા મુક્તો તો મહાપ્રતાપી હતા. તે તો જેવા શ્રીજી મહારાજ સર્વોપરી છે  તેવા જ વર્ણન કરતા, એવા મોટાના જોગવાળા સર્વોપરી મહિમા કહેવામાં અટકે નહિ. તોય જીવને સંશય કેમ રહેતો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ વખતે પણ બધાયને મહિમા એક સરખો ન કહેવાય. શ્રીજી મહારાજ પોતાની સાથે જે મુક્તોને લાવે છે તે તો એ મૂર્તિના સુખભોક્તા હોય તેથી તેમનું કાંઈપણ અજાણ્યું હોય નહિ. પણ કેટલાક બીજાં ધામમાંથી આવેલા હોય તે જેવો છે તેવો મહિમા જાણવામાં ટકે ખરા. જ્યારે મહારાજ મનુષ્યચરિત્ર કરતા હોય, પોતાના પ્રતાપને ઢાંકીને વર્તતા હોય ત્યારે તેમની રીત જુદી જ દેખાય. તે જુઓને! ‘સત્સંગીજીવન’ ગ્રંથ લખાતો હતો ત્યારે સાત દિવસ સુધી સદ્. નિત્યાનંદ સ્વામીએ સૌથી જુદા પડી મહારાજને જેવા છે તેવા લખાવવા તે ગ્રંથ અટકાવ્યો હતો. તે સમયે મહારાજે સદ્. શ્રી નિત્યાનંદ સ્વામીની ખૂબ પરીક્ષા લીધી, પણ સ્વામી લેશમાત્ર ડગ્યા નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! ‘સત્સંગી-જીવન’ ગ્રંથ લખાતો હતો ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીની કેવી રીતે પરીક્ષા લીધી હતી તે વિસ્તારથી સમજાવવા કૃપા કરો.”

ત્યારે  બાપાશ્રી  બોલ્યા  જે, “શ્રીજી મહારાજે ‘સત્સંગીજીવન’ ગ્રંથ કરવા માંડ્યો ત્યારે મોટા મોટા સંતોને પૂછ્યું જે, ‘આ ગ્રંથમાં અમને કેવા લખવા?’ ત્યારે કેટલાક સંત કહે કે, ‘આપની જેમ ઈચ્છા હોય તે પ્રમાણે લખો.’ કેટલાક સંત એમ બોલ્યા જે, ‘મહારાજ શાસ્ત્ર પ્રમાણે લખાય તો ઘણા જીવને સમાસ થાય.’ કેટલાક સંતોએ કહ્યું કે, ‘મહારાજ! આપ જેવા છો તેવા જ લખાવોને!’ એવી રીતે જેમ જેને ઠીક લાગ્યું તેમ સર્વે બોલ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તમારો અભિપ્રાય અમે જાણ્યો; હવે અમને ઠીક પડશે તેમ કરીશું.’

“થોડીવાર પછી નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, ‘મહારાજ! આવું શું ચરિત્ર આદર્યું છે? મારે સભામાં આપને કહેવું હતું, પણ આપ એમ બોલ્યા જે, ‘અમને ઠીક પડશે એમ કરીશું.’ તે તમને કેવી રીતે ઠીક પડે છે?’ ત્યારે મહારાજ કહે કે, ‘અમે શ્રીકૃષ્ણ છીએ એમ લખવા ધાર્યું છે.’ ત્યારે સ્વામી કહે, ‘મારે એટલું જ જાણવું હતું તેથી બોલ્યો ન હતો. જ્યારે બીજા મોટેરા સંતો સદ્. મુકતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા આ વાત જાણશે ત્યારે એ તો હા નહિ જ પાડે; કદાચ એ હા પાડે તોપણ હું તો હા પાડવાનો નથી.’

“ત્યારે મહારાજ કહે કે, ‘અમે કેવી રીતે લખીએ તો તમે હા પાડો?’ ત્યારે  સ્વામીશ્રીએ કહ્યું  જે, ‘મહારાજ! તમો  સર્વોપરી, સર્વ-કારણ, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ મહારાજાધિરાજ એવા લખો તો હું હા પાડું.’ ત્યારે મહારાજ કહે, ‘તમે તમારે આસને જાઓ; અમે જેમ ધાર્યું હશે તેમ કરીશું.’

“તેમના ગયા પછી મહારાજે સદ્. ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી એ બન્નેને પોતાની પાસે બોલાવીને આ વાત કરી. તે વખતે સદ્. ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ! આપ અક્ષરધામમાંથી જે સંકલ્પ કરી પધાર્યા છો તેવું જ ગ્રંથમાં લખાય તો ઘણા જીવને સમાસ થાય. બીજા અવતાર જેવા લખવાથી આપનો મહિમા જેવો છે તેવો કોણ જાણી શકે? માટે કૃપા કરી જેમ નિત્યાનંદ સ્વામી કહે છે તેમ લખાય તો આપ જેવા સર્વોપરી છો તેવા એ ગ્રંથમાંથી મુમુક્ષુ જીવો સમજીને સુખિયા થાય. જો આપનું પ્રગટપણું, સર્વોપરીપણું, સર્વાવતારીપણું, નિયંતાપણું, કર્તાપણું, કારણપણું આવા ગ્રંથમાં ન લખાય તો આપની ચોખ્ખી ઉપાસના કેમ સમજાય?’

“તે વખતે સદ્. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ! રાજાને ચાકરની ઉપમા ઘટે? ચંદ્રમાને શું તારાની ઉપમા શોભે?’ ત્યારે મહારાજ કહે, ‘રાખો! તમારા બન્નેનો અભિપ્રાય અમે જાણી લીધો; હવે અમારી મરજી હશે તેમ કરીશું.’

“બીજે દિવસે મહારાજે સભામાં સર્વે સંતોને બોલાવ્યા અને કહ્યું જે, “સત્સંગીજીવન’ ગ્રંથમાં અમને શ્રી કૃષ્ણ જેવા લખવાની ઈચ્છા છે.’ તે વખતે સદ્. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! આપને અવતાર જેવા લખવાની આ સભામાં કોઈપણ હા નહિ પાડે.’ ત્યારે મહારાજ કહે, ‘સભાની વાત પછી, તમે હા પાડો છો કે ના પાડો છો?’ ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! એ વાત નહિ બને, કેમ કે ચક્રવર્તી રાજાને ખંડિયા રાજાની ઉપમા લખવી શું યોગ્ય છે? જો એમ જ લખાય તો આપનો સર્વોપરી મહિમા જીવ કેવી રીતે સમજી શકે? માટે હું તો બીજા અવતાર જેવા તમને લખવાની ના પાડું છું.’

“પછી મહારાજે સર્વે સંતોને કહ્યું જે, ‘જુઓ! આ નિત્યાનંદ સ્વામી અમારું માનતા નથી ને સામા પડે છે. માટે તમો અમારા પક્ષમાં રહો તો આ ગ્રંથ કરીએ.’ તે વખતે કેટલાક સંત એમ બોલ્યા જે, ‘મહારાજ! અમે કાંઈ નિત્યાનંદ સ્વામી સારુ મુંડાવ્યું નથી. અમે તો તમારા જ પક્ષમાં છીએ અને રહીશું. તમે જેમ લખો એમ અમે રાજી છીએ.’ ત્યારે મહારાજ કહે કે, ‘તો તો ઠીક.’

“પછી સંતોને મહારાજે આસને આસને ફરીને પૂછ્યું જે, ‘આ નિત્યાનંદ સ્વામી અમારા સામા પડ્યા છે, તે તમે અમારા પક્ષમાં રહેશો કે તેમનો પક્ષ રાખશો?’ તે વખતે પણ સંતોએ કહ્યું જે, ‘મહારાજ! તમારા પક્ષમાં કેમ ન રહીએ? અમે તો તમારા આજ્ઞાધીન છીએ, તમારા વચનમાં અને તમારા રાજીપામાં જ અમે કલ્યાણ માન્યું છે.’

“પછી મહારાજ આસને પધાર્યા. વળી, અર્ધી રાત્રિએ ડુંગરજી પાર્ષદને મોકલી સદ્. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ બન્નેને મહારાજે પોતાની પાસે બોલાવીને સદ્. મુકતાનંદ સ્વામીને કહ્યું કે, ‘આ નિત્યાનંદ સ્વામી સામા પડ્યા છે તેનું કેમ કરવું?’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, ‘મહારાજ! જેમ આપની મરજી હોય તેમ કરો.’ તે વખતે સદ્. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘સ્વામી! નિત્યાનંદ સ્વામી કહે છે એમ કરવાનું કહોને!’ ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામી કહે કે, ‘મારાથી એમ ન કહેવાય; તમે કહો.’ ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ મને પૂછે તો હું એમ કહું.’ ત્યાં તો મહારાજ બોલ્યા કે, ‘તમને કોણ પૂછે છે તે તમે બોલ્યા? તમને તો અમારે એટલું જ પૂછવાનું છે કે તમે અમારા પક્ષમાં રહેશો કે નહિ રહો? એ કહો.’ ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ!  નિત્યાનંદ સ્વામીનું કહેવું સાચું છે. તેથી મારો આત્મા તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જ છે અને દેહ તો આપના પક્ષમાં રાખવો જ પડશે.’ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘અમારે દેહનું જ કામ છે. આત્મા ભલે નિત્યાનંદ સ્વામીના પક્ષમાં રાખો.’

“પછી બન્ને સદગુરુઓને રજા આપી તેથી તે આસને ગયા. સવારે નિત્યવિધિ કરીને વળી એ જ વાત લીધી કે, ‘સભા કરો ને સૌ સંતોને બોલાવો, અમારે નક્કી કરવું છે.’ એમ આજ્ઞા થવાથી સભા મોટી થઈ, સૌ સંતો શ્રીજી મહારાજના મુખકમળ સામું જોઈ રહ્યા હતા. તે વખતે મહારાજ બોલ્યા જે, ‘અમારા વચનમાં તત્પર હો અને અમારા પક્ષમાં રહેવા રાજી હો એટલા સંતો અમારી પાસે બેસો અને આ નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જેને રહેવું હોય તે તેમના ભેળા બેસે. કોઈ અમારી મહોબતમાં તણાશો નહિ.’

“પછી સૌ સંતો મહારાજ પાસે બેઠા. સદ્. નિત્યાનંદ સ્વામી તો એકલા જુદા બેસી રહ્યા. તે વખતે મહારાજે એમ કહ્યું જે, ‘જુઓ! તમારું હવે શું ચાલવાનું છે? તમે હવે એકલા થઈ રહ્યા. માટે અમારું માનો અને જેમ લખીએ એમ હા પાડો.’ ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! ભલે હું એકલો રહું, મને તમે ગમે તેમ કરો, પણ હું આપને જેવા છો તેવા જ લખવાની હા પાડીશ. મારે તમારું વચન લોપવું નથી, પણ તમારી મોટપ તથા સામર્થ્ય જાણવા છતાં બીજા અવતાર જેવા લખવાનું કહો તે કેમ માન્યામાં આવે?’

“પછી મહારાજે કહ્યું કે, “તમે બધા સંતો કરતાં શું મોટા થઈ ગયા? જુઓ! આ બધાય અમારું વચન માને છે ને તમે નથી માનતા, તે એમાંથી ઠીક નહિ થાય.’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ! હું પણ આપના વચનમાં જ છું. કદાચ આપની મોટપ કહેતાં દુઃખ આવશે તો સહન કરીશ, પણ બીજા અવતાર જેવું આપનું વર્ણન લખવા નહિ દઉં.’ ત્યારે મહારાજ કહે, ‘તમે માનતા નથી પણ આગળ ખબર પડશે.’

“બીજે દિવસે દીનાનાથ ભટ્ટ પાસે મહારાજે ગ્રંથ લખાવવા માંડ્યો તે વાત સદ્. નિત્યાનંદ સ્વામીના જાણવામાં આવી તેથી ભટ્ટ પાસે જઈને લખેલાં પાનાં જોવા માગ્યાં અને વાંચીને તરત ફાડી નાખ્યાં. પછી કહ્યું જે, ‘મારી આજ્ઞા વિના જો તમે લખશો તો હું તમને કાઢી મૂકીશ ને મહીસાગર ઓળંગીને આ બાજુએ આવવા નહિ દઉં.’ ત્યારે ભટ્ટજી કહે, ‘સ્વામી! આમાં મારો શો વાંક! મહારાજ શાસ્ત્ર પ્રમાણે બરાબર લખાવે છે. તમે મારી મહેનત વ્યર્થ કરી તેથી મહારાજ મને ઠપકો આપશે.’ ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘તમે મહારાજને કહેજો કે નિત્યાનંદ સ્વામી આ રીતે લખવાની ના પાડે છે.’ પછી ભટ્ટજીએ શ્રીજી મહારાજ પાસે જઈને આ સર્વ વાત કહી અને કહ્યું જે, ‘એમની મરજી વિના હું હવે લખી શકીશ નહિ.’

“પછી શ્રીજી મહારાજે શુકાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, ‘તમે નિત્યાનંદ સ્વામી પાસે જઈને એમ કહો કે શ્રીજી મહારાજે એમ કહ્યું છે કે અમે ગ્રંથ કરીએ છીએ તેમાં તમે આડા કેમ આવો છો? ને એ ગ્રંથનાં લખેલાં પાનાં કેમ ફાડી નાખ્યાં? ભટ્ટજીને લખવાની કેમ ના પાડી? તમે કાંઈ સત્સંગના ધણી નથી; સત્સંગના ધણી તો અમે છીએ તેથી અમને ગોઠે તેમ કરીએ. અમે જે કરતા હોઈએ તેમાં તમારે સામા ન પડવું. સામા પડશો તો એમાંથી ઠીક નહિ થાય.’

“પછી સદ્. શુકાનંદ સ્વામીએ સદ્. નિત્યાનંદ સ્વામી પાસે જઈ એવી જ રીતે કહ્યું ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીએ તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘તમે આવો સંદેશો લઈને શું આવ્યા? જાઓ મહારાજને કહેજો કે હું ધણી છું, હું. તમે જાણતા નહિ કે હું મહારાજને ભૂલીને બોલું છું. મહારાજ તો મારા પ્રાણ સમાન છે, પણ આવા સમાચાર લાવ્યા તેથી તમને કહેવું પડે છે. તમે મહારાજની ભુજારૂપ કહેવાઓ છો, તમે પાસે રહીને મહારાજના કેટલાય પ્રતાપ જોયા છે તોય મહારાજને અવતાર જેવા લખવા તે શું તમને ઠીક લાગે છે? તમે મહારાજને કહેજો કે, ‘દયા કરીને ભટ્ટને જેવા છે તેવા લખવાની આજ્ઞા કરો. જો મને એ સેવા આપો તો હું તો તૈયાર જ છું.’ એમ કહેજો. અને જો એમ નહિ થાય તો હું તમને કહું છું કે ભટ્ટને આવી રીતે તો ગ્રંથ લખવા નહિ દઉં.’

“પછી સદ્. શુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પાસે આ સર્વ વાત કહી. આવી રીતે સાત દિવસ સુધી મહારાજે સ્વામીશ્રીને સમજાવવાના ઘણા ઉપાય કર્યા, પણ સ્વામીશ્રી તો લેશમાત્ર ડગ્યા નહિ. પછી શ્રીજી મહારાજે ભગુજી આદિક પાર્ષદોને આજ્ઞા કરી કે, ‘અમારે નિત્યાનંદ સ્વામીનું સત્સંગમાં કામ નથી, કારણ કે અમારા કામમાં આડા આવે છે. અમારું વચન માનતા નથી તેથી તેમને મારે વચને કરીને એવા વિકટ વનમાં મૂકી આવો કે ફરીથી તે પાછા આવી શકે નહિ.’

“આજ્ઞા  થતાં ભગુજી, ડુંગરજી આદિક  પાર્ષદોએ સ્વામીશ્રી પાસે આવીને કહ્યું કે, ‘સ્વામી! ઊઠો! તમને વનમાં મૂકી આવવાની મહારાજની આજ્ઞા થઈ છે.’

“તે વખતે લોયાના સુરા ખાચર સભામાં બેઠા હતા. તે ઊભા થઈ મહારાજને કહેવા લાગ્યા જે, ‘મહારાજ! આ પાર્ષદ અજાણ્યા છે તે ક્યાં મૂકી આવશે? આ કામ પાર્ષદોથી ન થાય. હું મારી સાથે દશ પસાયતા લાવ્યો છું તે સહુની પાસે ઘોડાઓ છે ને તે આવા કામમાં કસર નહિ રાખે. જો આપની આજ્ઞા હોય તો અહીં મોકલું તે હાલ ને હાલ ઘોડે બેસાડીને લઈ જાય.’ ત્યારે મહારાજે રાજી થઈને કહ્યું કે, ‘ભલે, એમને અહીં ઝટ મોકલો.’

“પછી સુરા ખાચરે પોતાના ઉતારે જઈને તે પસાયતાને આ વાત સમજાવીને કહ્યું જે, ‘શ્રીજી મહારાજ સદ્. નિત્યાનંદ સ્વામીને દેશવટો દેવાના છે. એ કામ તમારા પાસે કરાવવાનું છે. તો તમે આ ઓરડીમાં પાણીનો ઘડો મૂકી કૂંચી તમારી પાસે રાખીને મહારાજ પાસે જઈને કહો જે, ‘મહારાજ! અમને કેમ બોલાવ્યા છે?’ ત્યારે મહારાજ તમને એમ કહેશે જે, ‘આ નિત્યાનંદ સ્વામીને ફરી પાછા ન આવે એવા વન-પર્વતમાં કે ઘાટી ઝાડીમાં મૂકી આવો.’ ત્યારે તમે એમ કહેજો કે, ‘અમે આપનું આ કામ કરીએ તે બદલ અમને મોજ શું આપશો?’ ત્યારે મહારાજ તમારા ઉપર રાજી થઈ મોક્ષ કરવાનું વરદાન આપશે. પછી તમે સદ્. નિત્યાનંદ સ્વામીને ઘોડા પર બેસારી દસ-બાર ગાઉ ફેરવી વિસામો કરાવી આ ટીમણ હું તમને આપું છું તે જમાડજો અને જ્યારે ગામ બધુંય જંપી જાય ત્યારે આ ઓરડીમાં લાવીને સુવાડજો. પછી રાત્રિએ મહારાજ પાસે જઈ મહારાજને જગાડીને કહેજો કે, ‘મહારાજ! અમે તમારા કીધા પ્રમાણે કરી આવ્યા.’ આવી રીતે શિખવાડીને સુરા ખાચરે તે પસાયતાઓને મહારાજ પાસે મોકલ્યા.

“તે દશેય પસાયતાઓ  આવી મહારાજને  પગે લાગી બોલ્યા કે, ‘મહારાજ! અમને સુરાખાચરે આપની પાસે મોકલ્યા છે તે અમારું શું કામ છે?’ ત્યારે શ્રીજી મહારાજે છેલ્લીવારે સભામાં સર્વને સાંભળતાં સદ્. નિત્યાનંદ સ્વામીને કહ્યું કે, ‘સ્વામી! હવે તમારે માટે જ આ બધા તૈયાર ઊભા છે; માટે માનો તો ભલે, નહિ તો થાઓ તૈયાર.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘મહારાજ! તમે મને વિકટ વનમાં મૂકો કે ઉજ્જડ અરણ્યમાં મૂકો કે પર્વતની ટોચે પહોંચાડો, પણ હું તો તમને સર્વોપરી જેવા છો તેવા લખાવવાનો જ. હવે જેમ આપની મરજી હોય તેમ કરો.’ ત્યારે મહારાજે પસાયતાઓને આજ્ઞા કરી કે, ‘આ સાધુ કોઈનું માને તેમ નથી માટે તમો તેમને એવે ઠેકાણે મૂકી આવો કે ફરીને તે પાછા આવે નહિ.’

“ત્યારે તે પસાયતાઓ કહેઃ ‘ભલે મહારાજ! એ કામ અમારું; તેમાં કાંઈ કહેવું પડશે નહિ. પણ અમને મોજ શું આપશો?’ ત્યારે મહારાજ કહે કે, ‘આ અમારા મોટા સંત મુક્તાનંદ સ્વામીની હારે તમારું કલ્યાણ કરીશું.’  તેથી પસાયતા રાજી થયા. પછી સ્વામીને કહે જે, ‘ઊઠો! ઘોડા પર બેસો; જો નહિ ઊઠો તો બાવડાં ઝાલીને ઉઠાડવા પડશે, માટે ઝટ ઊઠો.’

“આવાં તે પસાયતાનાં વચન સાંભળી સૌ સંતો તેમજ પાર્ષદો સભામાં બેઠા હતા તે દિલગીર થઈ ગયા ને વિચારવા લાગ્યા જે, ‘આવા સર્વોપરી નિશ્ચયવાળા વિદ્રાન સદગુરુને મહારાજ રજા આપે છે તે ઠીક થતું નથી; પણ શું કરવું? આપણાથી તો મહારાજને શું કહેવાય?’ એમ વિચાર કરે છે ત્યાં તો સ્વામીશ્રીને પસાયતાઓએ ઘોડા પર બેસાર્યા તે મહારાજ તથા બીજા સંતો-પાર્ષદો જોઈ રહ્યા.

“પછી પસાયતાઓ સુરા ખાચરે જે પ્રકારે શીખવ્યું હતું તે પ્રમાણે ઘોડાં આઠ-દશ ગાઉ ફેરવી રાત્રે ઓરડીએ લઈ આવ્યા. પછી મહારાજ પાસે ઉતાવળા ઉતાવળા આવીને કહ્યું જે, ‘મહારાજ! નિત્યાનંદ સ્વામીને બહુ જ છેટે વનમાં મૂકી આવ્યા. ત્યાં એવી ઝાડી ને ડુંગરા છે કે કોઈ માણસનો તો પત્તો જ ન લાગે.’ એ સાંભળી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થઈ બોલ્યા જે, ‘તમે બહુ સારું કર્યું. જાઓ! તમારું મુક્તાનંદ સ્વામીની હારે કલ્યાણ!’ એવું વચન સાંભળી પસાયતાઓ રાજી થઈને પોતાને ઉતારે ગયા.

“બીજે દિવસે જ્યારે સભા થઈ ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ‘હે મહારાજ! આજ આ સભા શોભતી નથી; કેમ જે સભાનું ભૂષણ હતું તે ગયું.’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘ત્યાગીને વળી ભૂષણ શું હોય?’ ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! નિત્યાનંદ સ્વામી આ સભાનું ઘરેણું હતું. એવા સાધુ અનંત કોટિ બ્રહ્માંડમાં ગોત્યા જડે નહિ. એવા સદગુરુને વગર વાંકે કાઢી મૂક્યા તે ઠીક તો ન થયું.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘સ્વામી! એ અમારી ભૂલ થઈ ખરી. અમે તમને લોજમાં ગુરુ કર્યા હતા તે ગુરુપણું આજ તમે સાર્થક કર્યું અને અમારી ભૂલ ઓળખાવી. પણ જ્યારે અમે તમને બોલાવીને પૂછ્યું હતું ત્યારે તમે કહ્યું હોત તો આમ થાત નહિ.’ ત્યારે સ્વામીશ્રી કહે કે, ‘મહારાજ! મને પણ આવી ખબર નહિ કે આપ આવી લીલા કરશો. બ્રહ્માનંદ સ્વામીને તો કહેવાની મરજી હતી, પણ આપે ના પાડેલી તેથી તે પણ બોલ્યા નહોતા.’

“ત્યારે  મહારાજે  કહ્યું  કે, ‘એમ થયું ખરું. અમને ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું, પણ તે વખતે અમે તેમને પણ એમ કહેલું જે અમને ઠીક પડશે તેમ કરીશું. નિત્યાનંદ સ્વામી હવે ક્યાંથી આવે? અને કોણ લાવે? અમે તો એ સ્વામીનાં દર્શન કર્યા વિના થાળ જમીશું નહિ.’ એમ કહી મહારાજ પાર્ષદો પ્રત્યે બોલ્યા કે, ‘નિત્યાનંદ સ્વામીને ગમે ત્યાંથી ખોળી લાવો; તેનાં દર્શન વિના અમારાથી જમાશે નહિ.’

“ત્યારે સુરા ખાચર કહે, ‘મહારાજ! એ પાર્ષદો ક્યાંથી ખોળી લાવશે? એ તો જે મૂકી આવ્યા હોય તે જ જાય તો ખબર પડે.’ એમ કહી પસાયતાને બોલાવ્યા. તેને મહારાજે આ વાત કરી. ત્યારે તેઓ કહે જે, ‘મહારાજ! હવે એ સ્વામી ક્યાંથી જડે? એ તો ક્યાંય જતા રહ્યા હશે; કાં તો કોઈ જાનવરે ઠેકાણે પાડી દીધા હશે. ભગવાને એનું મોઢું જોવાનું લખ્યું હોય તો એ આવે. હવે તમે કહો તો જઈએ ખરા, પણ લાવવા માટે બંધાતા નથી. જો જડશે તો લાવીશું.’

“એમ કહીને પસાયતા ગયા. પછી પ્રથમની પેઠે ઘોડાં દોડાવી રાત્રે પાછા આવી જ્યાં નિત્યાનંદ સ્વામી હતા ત્યાંથી ઘોડે બેસાડી મહારાજ પાસે લાવ્યા ને કહ્યું જે, ‘મહારાજ! સ્વામીને લાવ્યા. એ તો જ્યાં અમે બેસાર્યા હતા ત્યાં બેઠા હતા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા હતા. હવે તમે અમારા ઉપર રાજી થાઓ.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘તમે આ સંતને લાવ્યા તે બહુ ભારે કામ કર્યું.’ એમ પ્રસન્નતા જણાવી કલ્યાણ કરવાનું ફરીથી વચન આપ્યું. પછી સદ્. નિત્યાનંદ સ્વામીને મહારાજ બાથમાં ચાંપીને બહુ હેતથી મળ્યા ને પોતે જમીને સ્વામીશ્રીને પ્રસાદી જમાડીને કહ્યું જે, ‘જાઓ, અત્યારે આસને સૂઈ જાઓ. અમે તમારા ઉપર બહુ જ રાજી છીએ.’

“બીજે દિવસે સભા થઈ ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીનો હાથ ઝાલી શ્રીજી મહારાજ સભામાં પધાર્યા. સૌ સંત-પાર્ષદ જોઈ અતિ રાજી થયા. પછી સદ્. નિત્યાનંદ સ્વામીને મહારાજે આગળ બેસાર્યા અને કહ્યું જે, “સ્વામી! અમે તમારી ઘણી કસોટી કરી. પછી તમે અમારા ડગાવ્યા પણ ડગ્યા નહિ. બીજા સંતોએ તો અમારી હા એ હા કહી, પણ તમે અમને જીત્યા; માટે આજ તમે અમારી પૂજા કરો.’ પછી સદ્. નિત્યાનંદ સ્વામીએ ચંદન-પુષ્પહારથી મહારાજની પૂજા કરી. ત્યારે શ્રીજી મહારાજ ઊભા થઈને સ્વામીશ્રીને બાથમાં ચાંપી ઘણું હેત જણાવીને મળ્યા ને તેમની પૂજા પણ મહારાજે કરી. અને પોતાના કંઠમાંથી હાર ઉતારી સ્વામીશ્રીને પહેરાવ્યો અને મસ્તકે હાથ મૂકી સભા પ્રત્યે બોલ્યા જે, ‘સંતો! ઉપાસક તો આવા જ જોઈએ. આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે. કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા, પણ આ એક સ્વામી ફર્યા નહિ.’

“પછી મહારાજે સદ્. નિત્યાનંદ સ્વામીને સમજાવીને કહ્યું જે, ‘શાસ્ત્રમાં લખાણ શાસ્ત્રની રીતે થાય અને તમે કહો છો તે પણ ખરું છે. અમે આ ‘સત્સંગીજીવન’ ગ્રંથ અનંત જીવના હિતને અર્થે લખાવીએ છીએ. તેથી આ ગ્રંથમાં અમારું જે રહસ્ય છે, જેવું અમારું સ્વરૂપ છે, જેવું અમારું સામર્થ્ય છે, જેવો અમારો મહિમા છે, જેવા અમે છીએ, તેમ જ જો લખીએ તો સાધારણ જીવો તથા અન્ય ઉપાસકો એ વાત સમજી શકે નહિ; એટલે સાંભળવા પણ ન આવે અને તમારી પાસે બેસે પણ નહિ. તે સર્વને આ ગ્રંથ ખેંચી લાવશે. પછી તેમને તમો અમારો મહિમા સમજાવજો. આ ગ્રંથમાં તો આમ જ ઠીક. અમારી ઉપાસના માટે અમે જે વચનામૃત ગ્રંથ કરીએ છીએ તેમાં અમારું પૂરેપૂરું રહસ્ય છે અને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે. તેને સમજીને તે પ્રમાણે જે વરતશે તેનો આત્યંતિક મોક્ષ થશે. માટે એ ગ્રંથ સર્વોત્તમ છે.’ એમ વાત કરી. એવી રીતે શ્રીજી મહારાજે સદ્. નિત્યાનંદ સ્વામીની પરીક્ષા લીધી હતી.”

વળી બાપાશ્રીએ બીજી વાત કરી જે, “એક સમે શ્રીજી મહારાજ ગામ તેરે બિરાજતા હતા. ત્યાં પોતાના મહિમાની ઘણીક વાતો કરી. તે સમે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે, ‘સ્વામી! અમને કેવા જાણો છો?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! પૂર્વે થઈ ગયા જે શ્રીકૃષ્ણ તે જ તમે છો.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તમે કાળાતળાવે રવજીભાઈ પાસે હમણાં જાઓ. ત્યાં તેમને આ પ્રશ્ન પૂછજો.’

“આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી કાળાતળાવ જવા માટે નીકળ્યા. મારગમાં ચાલતાં એક સંત મળ્યા. તેમણે કહ્યું જે, ‘સાધુરામ! ક્યાં જાઓ છો?’ ત્યારે સ્વામીના મનમાં એમ થયું જે, આ સંત દેખાય છે તો આપણા સાધુ જેવા, પણ હું ઓળખતો નથી. મને એમણે ક્યાંથી ઓળખ્યો હશે? એટલામાં તો એ સંત અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આગળ ચાલ્યા. ત્યાં થોડેક છેટે એવા ને એવા બીજા સંત મળ્યા. તેમણે પણ એવી જ રીતે પૂછ્યું જે, ‘મુક્તાનંદ સ્વામી! ક્યાં જાઓ છો?’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘કાળાતળાવે રવજીભાઈ પાસે જાઉં છું.’ એમ કહે છે ત્યાં તો એ સંત પણ અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આશ્ચર્ય પામતાં થકા આગળ ને આગળ જતા હતા. થોડેક છેટે ત્રીજા સંત મળ્યા. એમણે પણ એવી જ રીતે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામી! ક્યાં જાઓ છો?’ ત્યારે સ્વામીએ આશ્ચર્ય પામીને કહ્યું જે, ‘કાળાતળાવ રવજીભાઈને પ્રશ્ન પૂછવા જાઉં છું.’ ‘ત્યારે તે  સંત બોલ્યા જે, ‘તમારે શું પૂછવું છે? જે  પૂછવું હોય તે મને પૂછો.’ ત્યારે સ્વામી બોલ્યા  જે, ‘શ્રીજી મહારાજે  મને પ્રશ્ન પૂછ્યો જે, ‘તમે મને કેવો જાણો છો?’ ત્યારે મેં કહ્યું જે, ‘પૂર્વે થઈ ગયેલા શ્રીકૃષ્ણ તે જ તમે છો.’ ત્યારે મને મહારાજે કાળેતળાવ રવજીભાઈ પાસે જવાની આજ્ઞા કરી છે.’

“આમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલાકમાં તો એ સંતે લાંબો હાથ કરીને મુઠ્ઠી વાળીને ઉઘાડી ત્યાં તો કોટાનકોટિ કૃષ્ણ દેખાડ્યાને કહ્યું જે, ‘આમાં તમારા સ્વામિનારાયણ શ્રીકૃષ્ણ ક્યા? તે બતાવો.’ એમ કહીને ચપટી વગાડી ત્યારે તે બધાં શ્રીકૃષ્ણરૂપ અદૃશ્ય થઈ ગયાં. પછી એ સંત બોલ્યા જે, ‘આવા કોટાનકોટિ શ્રીકૃષ્ણ એક વાસુદેવબ્રહ્મના તાબામાં છે. એવા કોટાનકોટિ વાસુદેવ તે એક મૂર્તિમાન અક્ષરના તાબામાં છે. અને કોટાનકોટિ અક્ષરોથી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના તેજરૂપ અક્ષરધામમાં અનંત પરમ એકાંતિક મુક્ત શ્રીજી મહારાજની સન્મુખ રહ્યા છે. તથા શ્રીજી મહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહ્યા છે. તેમાંના અમે અનાદિમુક્ત છીએ અને આપણા સ્વામી શ્રીજી મહારાજ છે તે સર્વના ઉપરી છે; એથી પર કોઈ નથી. એવા શ્રીજી મહારાજને જાણીને પાછા વળો.’ એમ કહી એ મુક્ત અદૃશ્ય થઈ ગયા.

“ત્યારે મુકતાનંદ સ્વામીએ પાછા તેરે આવીને શ્રીજી મહારાજને આ વાત કહી જે, ‘હે મહારાજ! હું અનાદિમુક્ત થકી આપનો સર્વોપરી મહિમા હવે સમજ્યો.’ પછી શ્રીજી મહારાજે રાજી થઈને કહ્યું જે, ‘અમે એવા જ છીએ એમ અમને સમજજો.’ પછી સ્વામી સભામાં બેઠા. આવી રીતે શ્રીજી મહારાજનો મહિમા સમજવો તે બહુ કઠણ છે. બધાયથી પોતાની મેળે સમજી શકાય તેવો નથી.”

તે ઉપર વાત કરી જે, “સંવત ૧૯૦૬ની સાલમાં અમદાવાદની હવેલી પૂરી થઈ ત્યારે વડતાલથી ધ. ધુ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને તેડાવ્યા હતા. તે વખતે અ.મુ.શ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, અદભૂતાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી આદિ ઘણા સંતો પાર્ષદોને સાથે લઈને પધાર્યા હતા. ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ બંને સભામાં એક પાટ ઉપર બિરાજતા હતા, ત્યાં વારાફરતી મોટા મોટા સદગુરુઓ વાતો કરતા.

“એક દિવસ સદ્. ગુણાતીતાનંદ સ્વામીને સભામાં વાતો કરવાની આજ્ઞા આચાર્યજી મહારાજે કરી ત્યારે પ્રથમ થોડીકવાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરીને પછી શ્રીજી મહારાજના મહિમાની અને સર્વોપરી ઉપાસનાની વાતો કરવા માંડી તેમાં સર્વે અવતારોથી મહારાજને મોટા કહ્યા. તે વાત કેટલાકને સમજાણી નહિ. પછી શણગાર આરતી થયા કેડે બન્ને આચાર્યજી મહારાજ પાસે કેટલાક સંત-હરિજનોએ જઈને કહ્યું કે, ‘સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ આજે સભામાં વાત કરી તેમાં ઘણાંક શાસ્ત્રોને બાધ આવે એવી વાત થઈ. માટે આપ તેમને બોલાવીને કહો તો ઠીક.’

“પછી તેમને બોલાવ્યા ને કહ્યું જે, ‘સ્વામી! તમારે શાસ્ત્ર વિરૂદ્ધ વાતો સભામાં ન કરવી.’ તે વખતે આનંદાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ પાસે ઊભેલા કેટલાક ન સમજનારા સંતો તથા હરિભક્તોને કહ્યું જે, ‘બેટી કા બાપ! તેરામાં શ્રીજી મહારાજ આવી જ વાતો કરતા. તે શું તમે નથી જાણતા?’ ત્યારે કેટલાક સંત બોલ્યા જે, ‘સ્વામી! તે દિવસ એવું પ્રકરણ હતું.’ પછી આનંદાનંદ સ્વામી બોલ્યા જે, ‘બેટી કા બાપ! પ્રકરણ તો ક્રિયા કા ફિરતા હે; જ્ઞાન તો મુદ્દા હે. ઉસકા પ્રકરણ નહિ ફિરતા.’

“ત્યારે કોઈક સંતે પૂછ્યું જે, ‘વચનામૃતમાં આવી વાતો છે?’ ત્યારે શુકાનંદ સ્વામીએ કહ્યું, ‘હા, ઘણે ઠેકાણે છે. જુઓને, મધ્ય પ્રકરણના ૩૧મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે, ‘એવા અક્ષરાત્મક બ્રહ્મરૂપ પુરુષ ઘણાક છે અને એ અમારી ઉપાસના કરે છે.’ ત્યારે કેટલાક સંતોએ કહ્યું જે, ‘વચનામૃતમાં હોય, પણ સભામાં આવી વાત ન કરવી.’ તે વખતે અ.મુ. ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, ‘ગુણાતીતાનંદ સ્વામીને છૂટી. તમારે શાસ્ત્રવાળાને કરવી હોય તો કરજો ને ન કરવી હોય તો ન કરજો; પણ મહારાજને સર્વોપરી જાણ્યા વિના છૂટકો નથી.’

“આ રીતે સમજાવનારા દયા કરીને સમજાવે તોપણ સમજવું તે બહુ કઠણ છે.”  II ૩ II

 

On the morning of Āso Vad 7th Vachanāmṛt was being read in the temple of Vṛṣpur. Bāpāśrī showing his favour, said, “Mahārāj pushes me and sends me to tell about His greatness, so I talk about His greatness as it is, but some do not understand it and doubt and ask me why I was saying so. They say so because they do not understand His greatness, His supernatural powers and His glory. Formerly also those who doubted did not believe it.”     Purāṇī Keśavpriyadāsjī said, “Bāpā! muktas who had come with Śrījī Mahārāj were also having great powers. They used to describe Śrījī Mahārāj’s supremacy as it is. Those who were attached with such great muktas would not hesitate in describing supreme greatness. Even then why does jīva doubt?”  Bāpāśrī said, “Even at that time greatness could not be told in the same way to all. Muktas who are brought by Śrījī Mahārāj with Him are the enjoyers of happiness of Mūrti so nothing is unknown to them. But some who are from other abodes may hesitate to  know the greatness as it is. When Mahārāj acts like a human being or when He hides His glory, His behaviour may appear different. Just see! When the Satsaṅgījīvan was being composed, Sadguru Nityānaṅd Swāmī differed from others and stopped it in order that the author could write about Mahārāj as He is. At that time, Mahārāj tested Nityānaṅd Swāmī very much but Swāmī did not give in.”

          Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! How was Sadguru Nityānaṅd Swāmī tested when the Satsaṅgījīvan was being written? Please explain to us in detail.” Bāpāśrī said, “When the Satsaṅgījīvan was begun to be written, Śrījī Mahārāj asked great saints how He should be described in that volume.” Some saints proposed to describe Mahārāj as He wished, whereas others propesed to describe Mahārāj according to the scriptures so that many jīvas could be benefitted. Moreover, other saints suggested to describe Mahārāj as He was. Thus, all said as they thought fit. Then Śrījī Mahārāj said that He had known their opinions and then He would do as He would think fit. After sometime Nityānaṅd Swāmī went near Mahārāj and said, “Mahārāj! What kind of action are You doing? I wanted to tell You in the assembly but You said that You would do as You thought fit. How would You like to describe You?”  Mahārāj said, “I have decided to describe Me as great as Śrī Kṛṣṇa.” Swāmī said, “I did not speak because I wanted to know that much only. When other great saints Sadguru Muktānaṅd Swāmī, Gopālānaṅd Swāmī, Guṇātitānaṅd Swāmī, Brahmānaṅd Swāmī will know about this they would not agree. In case if they agreed I would not agree.” Mahārāj said, “How should I be described so that you agree?”  Swāmī replied, “Mahārāj! If You are described as You are -the supreme, the cause of all, the genesis of all incarnations, controller of all, the king of millons of cosmoses- then I would agree.” Mahārāj asked him to go to his seat and that He would do as He had decided.” After Swāmī went away, He called Gopālānaṅd Swāmī and Guṇātitānaṅd Swāmī and told both of them about the discussion He had with Swāmī. At that time Sadguru Gopālānaṅd Swāmī said, “Mahārāj! If You are described in that volume in conformity with the purpose You have descended from Akṣardhām, many jīvas will benefit.  If You are described like other incarnations how can any one know Your greatness as it is? Therefore, please see that You are described as Nityānaṅd Swāmī says so that mumukṣu jīvas will understand from this volume that You are supreme and then they would become happy. If Your attributes like evermanifestness, supremacy, cause of all incarnations, controllerhood, doership and causerness are not described in this volume, how can Your pure upāsanā be understood?” At that time Sadguru Guṇātitānaṅd Swāmī said, “Mahārāj! Is it proper to give a simile of servant for the king and a simile of a star for the moon?” Mahārāj said, “All right! I have known opinion of both of you and now I would do as I wish.”

          On the next day, Mahārāj called all the saints and said, “I wish that I should be described as Śrī Kṛṣṇa in the Satsaṅgījīvan.” At that Nityānaṅd Swāmī said, “Mahārāj! In this assembly nobody will agree to Your being described as an incarnation.”  Then Mahārāj said, “Leave aside the assembly but tell me whether you agree or not.”  Sadguru Nityānaṅd Swāmī said, “Mahārāj! This is not possible, because is it proper to give the simile of a tributary king for a sovereign king? If You are described like this how can a jīva understand Your supreme greatness? Therefore, I refuse to describe You like other incarnations.” Then Mahārāj said to all the saints, “Look, this Nityānaṅd Swāmī does not obey Me and opposes Me. Therefore, if you be on my side then this volume can be prepared.” At that some saints said, “Mahārāj, we have not renounced the world for Nityānaṅd Swāmī. We are with You and we will always be with You. Therefore You can write as You like and it will be our pleasure.” Mahārāj said that then it was all right.

          Then Mahārāj went to each and every saint and asked everyone that Nityānaṅd Swāmī had opposed Him, so whether they were on His side or on Nityānaṅd Swāmī’s side. At which the saints answered, “Mahārāj, how can we not be on Your side? We are Your obeyer. Our liberation lies in Your being pleased and in our obeying Your words.” Then Mahārāj came back to His place. Again, at midnight Mahārāj sent Ḍuṅgarjī Pārṣad to call Sadguru Muktānaṅd Swāmī and Brahmānaṅd Swāmī to His place and told Muktānaṅd Swāmī, “Nityānaṅd Swāmī opposes Me; what is to be done about him?” Swāmī said, “Do as you wish.” At that time Sadguru Brahmānaṅd Swāmī said to Muktānaṅd Swāmī, “Please pray Mahārāj to do as Nityānaṅd Swāmī says.” Sadguru Muktānaṅd Swāmī said that he could not say so. He asked Brahmānaṅd Swāmī to tell so to Mahārāj. Then Sadguru Brahmānaṅd Swāmī said that if Mahārāj asked him, he would say so. Soon Mahārāj said, “Who asks you to speak? I simply ask you whether you will be on My side or not –answer it.” Then Sadguru Brahmānaṅd Swāmī said, “Mahārāj! Whatever Nityānaṅd Swāmī says is correct; so my soul is on the side of Nityānaṅd Swāmī and my body to be on your side.”  Mahārāj said, “I am concerned with the body only. You may keep your soul on the side of Nityānaṅd Swāmī.” Then both Sadgurus were permitted to go. So they wentback to their place.    

          In the morning after completing the daily routine, Śrījī Mahārāj took up the same topic and asked to hold a meeting of all saints, because He wanted to decide. Because of this command, there was a large meeting. All the saints were looking at the lotus face of Śrījī Mahārāj. Mahārāj said, “Those who are ready to obey My words and to be on My side may sit with Me and those who want to be on the side of Nityānaṅd Swāmī may sit with him. Nobody shall join Me just because of Me.” Then all the saints sat with Mahārāj. Sadguru Nityānaṅd Swāmī sat alone separately. At that time Mahārāj said, “Just see! As you have become alone, you have no say whatsoever. Therefore believe Me and let Me be described as I wish.” Sadguru Nityānaṅd Swāmī said, “Mahārāj! Let me remain alone. Do whatever You like against me but I will agree only when You allow me to describe You as You are. I do not want to transgress Your words. But how can I agree, despite my knowing Your greatness and powers, when You propose to describe You as other incarnations?” Mahārāj said, “Have you become greater than other saints? Look! All of them follow My words whereas you do not obey. This will not be good for you.” Swāmī said, “Mahārāj, I am also in conformity with Your words. If I have to suffer misery because of describing Your greatness, I will bear it; but I will not allow to You to be described as other incarnations.” Mahārāj said, “You do not obey Me but future will tell you.”

          On the next day, Mahārāj began the Satsaṅgījīvan to be dictated by  Dīnānāth Bhaṭṭa. Sadguru Nityānaṅd Swāmī came to know about it, so he approached Dīnānāth Bhaṭṭa and requested to let him see the pages written by him. After reading, Swāmī immediately tore off all the pages. Then he warned, “If you write without my permission I will drive you out and will not allow you to come on this side of the river Mahī” Bhaṭṭajī said, “Swāmī! It is not my fault. Mahārāj makes me write according to the scriptures. You have nullified my work; so Mahārāj will scold me.” Nityānaṅd Swāmī told him, “Tell Mahārāj that Nityānaṅd Swāmī refuses to write in this way.” Then Bhaṭṭajī went to Śrījī Mahārāj and told Him everything about it, and said that he would not be able to write without the desire of Swāmī. Śrījī Mahārāj called Śukānaṅd Swāmī and told him, “Go to Nityānaṅd Swāmī and tell him that I ask why he was hindering the writing of the volume and why he had torn off the pages of the volume. Why he had stopped Bhaṭṭajī to write. Also tell him that he was not the Master of the Satsaṅg. I am the Master of Satsaṅg; so I shall do as I like. He should not oppose anything I do, otherwise it will not be good.” Then Sadguru Śukānaṅd Swāmī went to Nityānaṅd Swāmī and told him whatever Mahārāj wanted him to tell. Sadguru Nityānaṅd Swāmī insulted him and told him, “How could you dare to come with such message? Go and tell Mahārāj that Swāmī was the Master of the Satsaṅg. Do not take that I am speaking with oblivion of Mahārāj. Mahārāj is like my life, but since you have brought such news, I have to say so. You are called as one of the favourites of Mahārāj. You have experienced many powes of Mahārāj because of your closeness with Him. Even then, was it proper to write Mahārāj like other incarnations?  Tell Mahārāj to show mercy and ask Bhaṭṭajī to describe Him as He is. If I am allowed to carry out that service, I am ready and if it is not possible, I would not allow Bhaṭṭa to write the volume in that way.” Sadguru Śukānaṅd Swāmī told everything to Mahārāj. In this way, Mahārāj tried to persuade Swāmī for seven days but he did not budge even an inch. Then ordering Bhagujī and other attendants Śrījī Mahārāj said, “I have no use of Nityānaṅd Swāmī in the Satsaṅg because he hinders My work and does not obey My words. So, as per My order go and put him in a deep forest so that he can not come back again.” Bhagujī, Ḍuṅgarjī, etc. attendants came to Swāmī and told him that they have been ordered by Mahārāj to put him in a forest. At that time, Surā Khāchar of Loyā was sitting in the assembly. He got up and told Mahārāj, “Mahārāj! This attendants are strangers; so where will they put him?  This work is not possible by these attendants. I have brought with me ten assistants who all have horses and they will not let any shortcoming in this work. If You order I may call them here and they will take him on horseback right now.” Mahārāj was pleased and said, “O.K. Send for them here immediately.”

Surā Khāchar went to his place of stay and explaining the matter to his assistants, he said, “Śrījī Mahārāj is going to send Sadguru Nityānaṅd Swāmī in exile. This work is to be done through you. So, lock Nityānaṅd Swāmī in this room, put a water-pot here, keep the keys with you, then go to Mahārāj and inform Him why He had called you. Then Mahārāj will command you to leave this Nityānaṅd Swāmī in such a forest or mountain or dense wood that he cannot come back from there. Then you ask Mahārāj how you would be rewarded for doing that work. Then Mahārāj will be pleased with you and give you a boon of salvation. Then you take Nityānaṅd Swāmī on horseback and after taking him up to sixteen to twenty miles let him rest. I am giving you the tiffin from which you feed him and when the whole village goes to bed, bring him back here and make him sleep in this room. Then go to Mahārāj at night and tell Him that you hade done according to His wish.”

Thus, Surā Khāchar directed his assistants and sent them to Mahārāj. All the ten attendants came to Mahārāj and prostrated before Him and said, “Mahārāj we have been sent to you by Surā Khāchar. What have we to do?” Śrījī Mahārāj finally announced in the assembly so that all could hear, “Nityānaṅd Swāmī! Now these attendants are ready for you. Therefore obey Me or get ready.” Then Swāmī said, “Mahārāj, You may leave me in dense forest or in a barren place or on the peak of a mountain, but I am going to describe You as supreme as You are. Now do as You like.” Then Mahārāj ordered the attendants, “Go and leave Swāmī in such place from where he can not come back again because he is not going to obey anyone.” The attendants said, “All right Mahārāj, this is our task. You be assured, but what will be our reward?” Mahārāj said, “I shall give you salvation on par with our great saint Muktānaṅd Swāmī.” So the attendants were pleased. Then they asked Swāmī, “Get up, sit on the horseback and if you do not do so, you will be forced to get up. Therefore, it will be better to get up.” On hearing such words of the attendants, all saints and attendants sitting in the assembly became sad and thought, “Mahārāj was not doing proper by leaving such learned Sadguru having the supreme faith in Mahārāj. But, what can be done? What can we tell Mahārāj?” When they were thinking thus, the attendants made Swāmī sit on horseback, while Mahārāj and all saints and pārṣads were looking at. Then the attendants, as they were instructed by Surā Khāchar, brought Swāmī back to the room at night after a travel of sixteen to twenty miles. Then they hurriedly went to Mahārāj and informed that they had left Nityānaṅd Swāmī very far in the forest where there were dense trees, hills, etc. and no human being could be found there. On hearing this, Śrījī Mahārāj became much pleased and said, “You have done well. Now your salvation will be on par with Muktānaṅd Swāmī.” After hearing these words, the attendants became pleased and went to their lodging place.

On the next day when the assembly was held, Sadguru Muktānaṅd Swāmī said, “Oh Mahārāj! Today, this assembly does not look splendid because the one who was the ornament of the assembly has gone away.” Śrījī Mahārāj said, “What can be the ornament for the one who is a renouncer?” Sadguru Muktānaṅd Swāmī replied, “Mahārāj! Nityānaṅd Swāmī was the ornament of this assembly. Such saint cannot be found in infinite cosmoses. It is not proper that such Sadguru has been driven out without any fault.” Mahārāj said, “It was certainly My mistake. I had accepted you as My guru in village Loj. Today you have proved that you are worthy guru because you pointed out My mistake. But if you had told Me when I consulted you about this matter, this would not have happened.” Swāmī said, “Mahārāj! I did not know that You were going to do such līlā. Brahmānaṅd Swāmī wanted to speak, but as You stopped him, he did not speak.” Mahārāj said, “Of course it happened thus. I was told by Gopālānaṅd Swāmī and Guṇātitānaṅd Swāmī but at that time I had told them I would do as I thought fit. Now, where can Nityānaṅd Swāmī be found? Who will bring him back? I will not take My meal unless I get darśan of Swāmī. Saying so, Mahārāj ordered the pārṣads to find out Nityānaṅd Swāmī from anywhere. I will not be able to take food without his darśan.”  Surā Khāchar said, “Mahārāj! How can the pārṣads find him out? It is only known to them who had lef him in the forest.” Saying so, he called the attendants.”  Mahārāj informed them the matter. They said, “Mahārāj! How can Swāmī be found out! He must have gone somewhere or some animal must have devoured him. If God had wished to see his face, he would come. As You instruct us, we will go, but we are not bound to bring him back. If he is found we will bring him back.” Saying so the attendants left. Then as the attendants had done before, they rode their horses for sixteen to twenty miles and came back and at night they went to the place where Nityānaṅd Swāmī was kept. From there he was brought on horseback before Mahārāj. They said, “Mahārāj! We have brought Swāmī. He was sitting where we had kept him and was chanting Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa. Now be pleased on us.” Mahārāj gladly told that they had done a very good task by bringing that saint back. And showing His pleasure, again promised them for salvation. Then Mahārāj embraced Nityānaṅd Swāmī with much love, and then after taking His meal, Mahārāj fed him His prasādī. Then Mahārāj asked him to go to bed at his place and further said that He was very much pleased with him.

          On the next day when the assembly was held Śrījī Mahārāj graced the assembly with Nityānaṅd Swāmī’s hand in his hand. On seeing this, all the saints and pārṣads were very much pleased. Mahārāj made Nityānaṅd Swāmī sit in front and said, “Swāmī! I subjected you to a very hard test. I tried to budge you but you did not budge at all. Other saints sided with Me but I have been won by you. Therefore, you perform My pūjā today.” Then Nityānaṅd Swāmī performed Mahārāj’s pūjā with sandalwood paste and garlands. Śrījī Mahārāj got up from His seat and embraced Swāmī and showing His love Mahārāj also performed Swāmī’s pūjā. Mahārāj took off garland from His neck and garlanded Swāmīśrī with the same garland. Then putting His hand on Swāmī’s head, He told the assembly, “Saints! An upāsak should be like this Swāmī! This saint knows My greatness perfectly. I made some saints to change their opinion and they changed, but this is the only Swāmī who did not budge an inch.”

          Then Mahārāj explained to Sadguru Nityānaṅd Swāmī, “Scriptures are written according to the norms of the scriptures and whatever you said was also right. I am getting the Satsaṅgījīvan written for the benefit of infinite jīvas, so if it describes My greatness, divinity of My form and My powers as it is, ordinary jīvas and the devotees of other incarnations will not be able to understand this matter and so they will neither come to hear nor will they sit beside you. All of them will be attracted by this volume. Then explain to them My greatness. With regard with this volume, it will be better if I am described as I instruct. For explaining My upāsanā I am preparing the Vachanāmṛt which contains My complete secret and proper knowledge about My form. He who understands it and behaves accordingly will get ultimate liberation. Therefore, that volume is the best of all.” In this way, Śrījī Mahārāj had tested Śrī Nityānaṅd Swāmī.

          Bāpāśrī said, “Once Śrījī Mahārāj was seated in village Terā where He talked much about His greatness. At that time Mahārāj asked Muktānaṅd Swāmī how he understood Him. Swāmī said, “Mahārāj! You are Śrī Kṛṣṇa who incarnated previously.” So Śrījī Mahārāj asked him to go immediately to Ravjibhāī at Kāḷātaḷāv and ask him this question. On getting the order, Muktānaṅd Swāmī started for Kāḷātaḷāv. On the way, he met a saint, who asked him where he was going. Swāmī thought, “This saint appears like our saints but I do not know him. How did he know me?” In the meanwhile, the saint disappeared. Then Swāmī went ahead for some distance and saw another saint like the previous one. That saint asked Swāmī in the same way where he was going. Swāmī said that he was going to Ravjibhāī at Kāḷātaḷāv. In the meanwhile, that saint also disappeared. In a state of being surprised, Swāmī was going on and on. After some distance he met third saint and he asked in the same way where he was going. Swāmī was surprised and said that he was going to Ravjibhāī at Kāḷātaḷāv to ask a question. The saint said, “What do you want to ask? You can ask me whatever you want to ask.” Swāmī said, “Śrījī Mahārāj has asked me how I understood Him. I replied that He was like Śrī Kṛṣṇa incarnated previously. Then Mahārāj ordered me to go to Ravjibhāī at Kāḷātaḷāv.” As soon as Muktānaṅd Swāmī completed, the saint stretched his hand and opened his fist and showed him infinite Kṛṣṇa and asked him where his Swāmīnārāyaṇa, who is like Kṛṣṇa, was among all these Krishnas. Then when he undid his pinch all Śrī Krishnas disappeared. Then the saint said, “Such infinite Śrī Krishnas are under Vāsudevbrahmas; such infinite Vāsudevs are under personified Akṣar; and above infinite Akṣars there are infinite param ekāṅtiks who are in front of Śrījī Mahārāj in luminous Akṣardhām; and there are infinite Anādi muktas in Mūrti. I am one of such Anādi muktas and our Master Śrījī Mahārāj is the head of all and nobody is beyond him. Know Śrījī Mahārāj like this and go back.” Saying so, that saint disappeared.

Then Muktānaṅd Swāmī came back to Terā and told Śrījī Mahārāj about this incident. He said, “Oh Mahārāj! I now understood Your supreme greatness through anādi mukta.” Then Śrījī Mahārāj was pleased and said, “I am that much great and you should understand Me as such.” Then Swāmī sat in the assembly. Thus to understand the greatness of Śrījī Mahārāj is very difficult. Everyone cannot understand it by himself.

In Saṁvat year 1906, when the majestic mansion in the compound of Amdāvād temple was completed, Dharma Dhuraṅdhar Āchārya Mahārāj Raghuvīrjī Mahārāj was invited from Vaḍtāl. At that time Anādi Mukta Śrī Gopālānaṅd Swāmī, Nityānaṅd Swāmī, Śukānaṅd Swāmī, Guṇātitānaṅd Swāmī, Pavitrānaṅd Swāmī, Adbhutānaṅd Swāmī, Bhomānaṅd Swāmī, etc, had come along with many other saints and pārṣads. Dharma Dhuraṅdhar Āchārya Śrī Ayodhyāprasādjī Mahārāj and Śrī Raghuvīrjī Mahārāj both were sitting on the same dais. There, great Sadgurus were giving sermons in turn. One day Āchārya Mahārāj asked Guṇātitānaṅd Swāmī to talk in the assembly.

At first, he talked for sometime about dharma, jñān, vairāgya, and bhakti; and then he began to talk about the greatness and supreme upāsanā of Śrījī Mahārāj. He said that Mahārāj is greater than any other incarnation. This was not understood by some. After śṛṅgār āratī, some saints and devotees went to both Āchārya Mahārājs and said to them, “Whatever Sadguru Guṇātitānaṅd Swāmī talked in the assembly was against the principle of many scriptures. So call him and tell him about it.” He was called and instructed, “Swāmī, you should not talk anything in the assembly which is against the scriptures.” At that time Ānaṅdānaṅd Swāmī told those saints and devotees who were standing near Āchārya Mahārāj and who could not understand if they did not know that Śrījī Mahārāj was talking about the same matter in village Terā. Then some saints said, “Swāmī, on that day the chapter was like that.” Ānaṅdānaṅd Swāmī said, “A chapter changes only when it is about do’s and don’t’s; whereas a chapter about jñān does not change because jñān is the core point.” Then a saint asked, “Is such matter mentioned in the Vachanāmṛt?”  Śūkānaṅd Swāmī said, “Indeed, there are many citations to this account. Refer 31st Vachanāmṛt of Gaḍhaḍā Middle Chapter which reads, “There are many such Akṣarātmak brahmarūp Puruṣas and they worship Me.” Then some saints said, “Though it is mentioned in the Vachanāmṛt, it should not be talked in an assembly.”  At that time Anādi Mukta Gopālānaṅd Swāmī said, “Guṇātitānaṅd Swāmī is free to talk as he talks now.  All you, who insist the proof by scriptures, many or may not talk on this matter. But, there is no way out without knowing Mahārāj as supreme.” Thus, though there may be some who can explain this matter to us, even then it is very difficult to understand.” || 3 ||