Gujarati / English

આસો વદ-૧૨ને રોજ સાંજે છેલ્લા પ્રકરણનું ૨જું વચનામૃત વંચાતું હતું.

તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, “કેવા હોય તે સાધુ કહેવાય?”

ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, “સાધન કરીને એકાંતિકભાવને પામ્યો હોય, અખંડ શ્રીજી મહારાજની સ્મૃતિ રહેતી હોય, મહારાજ વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય, પણ જે દેહે કરીને સાધન કર્યાં હોય તે દેહે સહિત હોય તેને સાધુ કહેવાય. તથા છેલ્લા પ્રકરણના ૮મા વચનામૃતમાં મોટા સંત કહ્યા છે, તેવાં લક્ષણવાળા હોય અને દેહની ક્રિયા પણ આ લોકમાં જમવું જોઈએ એ આદિક થતી હોય તેને સાધુ કહ્યા છે. મહારાજ અને મુક્ત તો દેહ વિનાના કહેવાય. તેમને તો આ લૌકિક ક્રિયા જે ખાવું-પીવું તે નથી. તે તો જમતાં થકા અજમતા છે. એમ જ સર્વે ક્રિયા કરતાં થકા અકર્તા છે. આવી રીત મોટા મુક્તની છે.”

પછી વાત કરી જે, “નારાયણપુરમાં ખીમજીભાઈના દીકરા ભીમજીને ઘેર અમે ગયા હતા. ત્યાં હનુમાનજીની છબી જોઈને અમે કહ્યું જે આ શું છે? પછી તે કાંઈ બોલ્યો નહિ. આપણે તો સ્વામિનારાયણનો જ આશરો રાખવો. બધે માથાં ભટકાવવાં નહિ. મહારાજ તો કૃપાસાધ્ય છે. તેના મુક્ત પણ એવા જ છે. તે જે જીવ આશરે આવે તેને સુખિયો કરી મૂકે.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા અને કહ્યું જે, “બાપા! મૂર્તિમાં રાખજો.”

ત્યારે બાપાશ્રી કહે, “બહાર રાખીએ તો?”

ત્યારે કહે કે, “ના, મૂર્તિમાં રાખજો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “માંહી મૂંઝવણ થાય તો?”

ત્યારે સ્વામી કહે, “મૂંઝવણ નહિ થાય.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “સારું મહારાજ! મૂર્તિમાં રાખશું. આપણે તો જે છે તે અહીં છે. અહીં અક્ષરધામ, મૂર્તિ, મુક્ત, સર્વે છે; પણ અક્ષરધામ બીજે છે અને મૂર્તિ બીજે છે, એમ ન જાણશો. સર્વે અહીં જ છે.”

એમ વાત કરી ઠાકોરજીનાં દર્શને પધાર્યા અને દર્શન કરીને સર્વેને મળ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મૂર્તિનું સુખ ને આનંદ વધતાં જાય તેનો શું ઉપાય હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવું, તેણે કરીને આનંદ ને સુખ વધતાં જાય. આ બાવો ઈશ્વરચરણદાસજી જાણે જે હું બધો મહિમા લખી નાખું, પણ તમે બધી વનસ્પતિની કલમો કરો, સાત સમુદ્રની શાહી કરો, તે લખતાં કલમો ઘસાઈ જાય, શાહી ખૂટી જાય તોપણ મહારાજના મહિમાનો પાર ન આવે. એવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે, તે પાર પામી શકાય તેવું નથી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપા! આપની મરજી હોય તો લખું.”

ત્યારે બાપાશ્રી માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “ભલે! લખો. અમો રાજી છીએ. મોટા મોટા સંતોએ મહારાજનાં ચરિત્ર, પ્રતાપ, ઐશ્વર્ય, મહિમાના અનેક ગ્રંથો લખ્યા; તોપણ જેવો છે તેવો મહારાજનો મહિમા લખવાને કોણ સમર્થ છે? મહારાજ કહે છે કે, ‘હું પણ મારા મહિમાનો પાર પામતો નથી તો બીજા કોણ પાર પામી શકે?’ એવી એ કારણ મૂર્તિ છે. એ કારણ મૂર્તિના આધારે સૌ સુખિયા છે.

“આપણને તો મહારાજે ન્યાલ કર્યા છે. તે ગામોગામ મંદિર, જ્યાં જઈએ ત્યાં હરિભક્તોનાં હેત પણ એવાં. તે જુઓને! આપણે ગામ મેડા ગયા હતા. ત્યાંના હરિભક્તોનાં શું હેત! આપણે સૌને રાજી કરીને ત્યાંથી ચાલ્યા ત્યારે સૌ હરિભક્તો ઘણે છેટે સુધી વળાવવા આવ્યા, તે કહીએ તોય પાછા ન વળે. પછી અમે કહ્યું જે, ‘હવે પાછા વળો.’ ત્યારે તે શું કરે? પછી ઊભા રહ્યા; એવાં તેમનાં હેત. જે મહારાજનો તથા મોટાનો મહિમા જાણે તેને સદાય એવું હેત રહે.”

એમ કહીને બોલ્યા જે, “સ્વામી! તમારા દાખડા ઘણા છે. ગામોગામ ફરીને હરિભક્તોને મહારાજના સુખની ને મહિમાની વાતો કરો છો તેથી સત્સંગ બધો પ્રફુલ્લિત થઈ રહ્યો છે. મહારાજ કહે, ‘તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની વાત નોખી છે’ એવા તમે છો.” એમ પ્રસન્નતા જણાવી.

પછી બીજે દિવસે સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો પર બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, “હવે તમને ગુજરાતના હરિભક્તો સંભારે છે તે કેમ કરશો? અમારે અહીં આવા સંતોની તાણ ઘણી છે. અમને આવી સભા અખંડ ખપે. આ દેશનાં ભાગ્ય મોટાં જે આવા સંત ઘેર બેઠાં આવીને દર્શન દે છે.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજી બોલ્યા જે, “બાપા! આ બધું આપની કૃપાનું કારણ છે. આપે સાજો સત્સંગ સુખિયો કરી મૂક્યો છે. તેથી બધા તણાઈને અહીં ચાલ્યા આવે છે. મહારાજનું સુખ આ ટાણે આપે બહુ સુગમ કરી દીધું છે.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ભલે મહારાજ! તમો હવે દેશમાં જાઓ ને હરિભક્તોને સુખિયા કરો. તેડાવીએ ત્યારે આવજો. અમારે અહીં સંતોને રાખ્યાની તાણ તો રહે, પણ હરિભક્તોનાં હેત સામું જોવું ખપે.”

આવી રીતે બાપાશ્રીની ઈચ્છા જાણી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી, શ્વેતવૈકુંઠદાસજી તથા દેવજીવનદાસજી અને આશાભાઈ, આદિક સર્વે બાપાશ્રીને પ્રસન્ન કરી દેશમાં જવા તૈયાર થયા.

તે ટાણે પોતે સૌને મળ્યા અને માથે હાથ મૂકીને બોલ્યા જે, “આમને આમ મહારાજની મૂર્તિમાં રસબસ રહેજો, આપણે સદાય ભેળા જ છીએ.” એવા આશીર્વાદ આપીને વિદાય કર્યા.

પછી સંતો ભુજ બે દિવસ રોકાઈને ગુજરાત આવ્યા. II૩૦II

 

On the evening of Āso Vad 12th, the 2nd Vachanāmṛt of Gaḍhaḍā Last Chapter was being read. Purāṇī Keśavpriyadāsjī asked Bāpāśrī, “What are the characteristics of a sādhu?” Bāpāśrī was pleased and said, “The one who has achieved the state of ekāṅtik through efforts, has constant memory of Śrījī Mahārāj, and has no love for anything excepting Mahārāj; but who still behaves as the body through which he has performed the spiritual efforts is called a sādhu. In the 8th Vachanāmṛt of Gaḍhaḍā Last Chapter characteristics of a great saint have been described. The one who has such characteristics is called a sādhu, even if the actions of his body may appear like those of other ordinary people. Mahārāj and muktas are called without bodily feelings. Their activities like drinking, eating, etc. are like other ordinay people. Though they eat, they are observing fast. Similarly, though they do all activities they are non-doer. This is the way of great muktas.” Bāpāśrī further said, “Once I had gone to the house of Bhīmjībhāī, the son of Khīmjībhāī at Nārāyaṇapur. There I saw picture of Hanumānjī. I asked him what it was.  He did not say anything. We should surrender to Swāmīnārāyaṇa only and not to anyone else. Mahārāj is realised by His favour. The muktas are also like Him. The one who takes shelter under them is made happy by them.” Then Swāmī Ghanśyāmjīvandāsjī came. He requested Bāpāśrī to keep him in Mūrti. Bāpāśrī said, “If you are kept outside Mūrti then?” He said, “No, please keep me in Mūrti.” Then Bāpāśrī said, “Would you not feel uneasiness, then?” Swāmī replied that he would not feel uneasiness. Then Bāpāśrī said, “All right Mahārāj, I will keep you in Mūrti. For us whatever is, is here only- just here are Akṣardhām, Mūrti, mukta and everything. Do not think that they are elsewhere. Everything is here.” After this talk, Bāpāśrī went for darśan and then met all.

           Then Swāmī Īśvarcharaṇadāsjī asked, “What is the remedy by which the happiness and joy from Mūrti go on increasing?” Bāpāśrī replied, “For getting ever-increasing happiness and joy one should remain engrossed in Mūrti. This Bāvā, i.e., Īśvarcharaṇadāsjī wants to completely describe the greatness of God. But even if you make pens from branches of all trees, make ink from water of seven seas, and if all these pens get worn out, and the ink is exhausted even then the greatness of Mahārāj remains underdescribed. Such divine is Mūrti; it is limitless and no one can find its bounds.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! If you wish I will describe the greatness.” Bāpāśrī was very much pleased and putting his hands on Swāmī’s head said, “Of course, you may write. Great saints have written many volumes about divinge actions, grandeur, supernatural powers and His greatness, etc. Even then who is capable to describe the greatness of Mahārāj? Mahārāj Himself says that even He is unable to find the bounds of His greatness. Then how can others find His bounds? Such is causal Mūrti and all are happy because of the causal Mūrti. Mahārāj has accomplished us. Every village has temple and wherever I go I feel that the love of the devotees is abundant. Remember when we had gone to village Meḍā. What a love of devotees of that village we experienced! When we left that village after pleasing all, all devotees accompanied us a long distance to send us off. They would not return even when I asked them. Then finally, I told them to return. Then they stood there for a long time- such was their love. The one who knows the greatness of Mahārāj and muktas will always have such love.” Then Bāpāśrī turned to Swāmī and said to him, “Your efforts are much. You go from village to village and tell the devotees about the greatness and happiness of Mahārāj, so whole Satsaṅg has become joyful. Saints like you following the norms of dharma are unique-  you are such.” Saying so Bāpāśrī showed his pleasure.

           On the next day Bāpāśrī was pleased with saints viz. Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī and said, “The devotees of Gujarāt remember you. What will you do to appease them? I have shortage of such saints here. I want this type of assembly constantly. This region is fortunate that such saints give darśan at our place.” Swāmī Vṛṅdāvandāsjī said, “Bāpā! This is all because of your grace. You have made the whole Satsaṅg happy. So, all are drawn towards this place. This time you have made happiness of Mahārāj very easy.” Bāpāśrī said, “All right. Now go to Gujarāt and make devotees happy and come back when I call you. Though I have shortage of saints here, I have also to take care of love of devotees.” Thus, it knowing the wish of Bāpāśrī Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, Muktavallabhdāsjī, Śvetvaikuṇṭhdāsjī, Devjīvandāsjī and Āśābhāī, etc. pleased Bāpāśrī and got ready to go to Gujarāt. At that time Bāpāśrī met all and putting his hands on their heads said, “Remain engrossed in Mūrti as you have been. I am always with you.” After giving such blessing, he sent them off. Then the saints stayed at Bhuj for two days and then went to Gujarāt. || 30 ||