સંવત ૧૯૪૨ની સાલમાં બાપાશ્રી છસો હરિભક્તોના સંઘે સહિત કચ્છથી મુળી આવ્યા, ને ત્યાં બે રસોઈઓ આપી. ત્યાં બાપાશ્રીને સમાધિ થઈ હતી. પછી જ્યારે સંઘ ગઢડે ચાલ્યો ત્યારે સમાધિમાંથી તો જાગ્યા, પણ માંદા થઈ ગયા; તેથી જઈ શક્યા નહિ. તેમની સેવામાં મુક્તરાજ રત્ના ભક્તના પૌત્ર કાનજી ભક્ત રહ્યા. જ્યારે સંઘ ગઢડે પહોંચ્યો ત્યારે મુ. ધનબા ડોસીને શ્રીજીમહારાજ તથા મુક્તોનાં દર્શન થયાં.
તે વાત કેશરાભાઈને જગાડીને કરી જે, “આજ શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહિત અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીને તેડવા મુળીએ ગયા, તે સત્સંગમાં આપણું મોટું સુખ ગયું.”
ત્યારે કેશરાભાઈ કહે, “મા! હું તમારો દીકરો છું. તે તમારા જેટલું તો ન જાણું, પણ એટલું તો મને નક્કી છે જે આપણું સુખ નહિ જાય; કેમ કે મુળીથી આપણે ચાલ્યા ત્યારે બાપાશ્રીએ મને કહ્યું છે કે, ‘અમે જરૂર ગઢડે આવશું.’ તેથી જો મહાપ્રભુજી આવ્યા હશે તોપણ તેડી નહિ જાય.” એમ વાત કરીને સૂઈ ગયા.
બીજે દિવસે બાપાશ્રીને શરીરે ઠીક થયું એટલે કાનજી ભક્તને સાથે લઈને ગઢડે જવા નીકળ્યા. જ્યારે ગઢડું અડધો ગાઉ દૂર રહ્યું ત્યારે કેશરાભાઈએ સર્વે સંઘને કહ્યું જે, “બાપાશ્રી આવે છે, માટે ચાલો આપણે સામા જઈએ.” એમ કહી હરિભક્તો સહિત સામા ચાલ્યા તે ગામ બહાર ભેગા થયા. ત્યાં સૌને મળ્યા ને બહુ પ્રસન્નતા જણાવી સંઘે સહિત બે દિવસ ગઢડામાં રહી મહારાજના મહિમાની ઘણીક વાતો કરી ઘણા સંત-હરિભક્તોને સુખિયા કર્યા.
ત્યાંથી ધોલેરા થઈ ધોળકે આવ્યા. તે વખતે જેતલપુરમાં મોટા સંત સદ્ગુરુ શ્રી ધ્રુવાનંદ સ્વામીને દેહ મૂકવા સમયે શ્રીજીમહારાજ તેડવા આવેલા ત્યારે બાપાશ્રીએ મહારાજની પ્રાર્થના કરી જે, “આ સંઘ બે દિવસમાં જેતલપુર પહોંચી જશે માટે સ્વામીશ્રીને બે દિવસ રાખો તો આ સંઘને સંભારવા થાય.” એવાં વચન સાંભળી શ્રીજીમહારાજે ધ્રુવાનંદ સ્વામીને રાખ્યા. જ્યારે સંઘ ધોળકેથી જેતલપુર પહોંચ્યો ત્યારે જસા ભક્ત મંદિરની વાડીમાં રહેતા હતા. તેમને શ્રીજીમહારાજ માણકી ઘોડી પર બેઠેલા ને વતું વધેલું એવાં દર્શન થયાં. ત્યારે જસા ભક્તે કહ્યું જે, “મહારાજ! તમે આવા દૂબળા કેમ દેખાઓ છો? ઘોડી પણ દૂબળી જણાય છે, વતું પણ વધેલું છે તેનું શું કારણ?”
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “આ કચ્છનો સંઘ જ્યારથી નીકળ્યો છે ત્યારથી અમે એમના ભેળા ચાલીએ છીએ. એ સંઘ મોટો બહુ છે અને કેડા મોર સૌ ચાલે છે તેથી કોઈ તેમને લૂંટી ન જાય તેમ માર્ગ પણ ન ભૂલે એટલા માટે સાથે જ રહીએ છીએ તેથી તમને આવા દેખાઈએ છીએ.”
એટલામાં તો સંઘ જેતલપુર જઈ પહોંચ્યો ને સર્વેને દર્શન થયાં. પછી બે દિવસ રહીને જ્યારે અમદાવાદ તરફ ચાલવાની તૈયારી કરી ત્યારે સ્વામીશ્રીએ અદ્ભુત પ્રતાપ જણાવી દેહત્યાગ કર્યો. તે વખતે ચંદનની વૃષ્ટિ થઈ તે સર્વત્ર સુગંધ સુગંધ થઈ રહ્યો. તે ચંદનની ગોળીઓ કરીને સંઘમાંના કેટલાક મનુષ્યોએ લઈ લીધી હતી તે હજી પણ છે.
પછી સંઘ અમદાવાદ આવ્યો ને ત્યાં રસોઈઓ આપી. અને બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી સ્વામી શ્રી નિર્ગુણદાસજીના આસને દર્શને ગયા. ત્યાં સ્વામીને દંડવત કરીને મળ્યા ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! ઘણા દિવસે દર્શન થયાં.”
ત્યારે સ્વામીએ કહ્યું જે, “વૃષપુરમાં અણદા ભક્તે દેહ મેલ્યો ત્યારે તમે પાસે બેઠા હતા તે વખતે તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બહુ તેજ દેખાણું તે તેજ દેખીને બીન્યા તેમને તમે ધીરજ આપીને કહ્યું જે, ‘આ તો મહારાજનું અને મુક્તનું તેજ છે.’ પછી આપણે અણદા ભક્તને તેડી ગયા, તેને બે મહિના થયા છે અને ઘણે દહાડે ભેગા થયા એમ કેમ કહો છો?” ત્યારે બાપાશ્રી હસ્યા.
પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “અણદા ભક્તની મહાપથારી હતી તે ઠેકાણે શ્રીજીમહારાજ સંવત ૧૮૬૨ની સાલમાં થાળ જમ્યા હતા ત્યાં ઓટો કરાવજો.” પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં પધાર્યા ત્યારે તે ઠેકાણે ઓટો કરાવ્યો છે.
બીજે દિવસે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આસને મહારાજના મહિમાની વાતો થતી હતી. સભામાં બાપાશ્રી પણ બેઠેલા હતા, તેથી સભા મોટી થઈ હતી. ત્યાં અમદાવાદના શેઠ ચીમનલાલભાઈ તથા વકીલ સોમેશ્વરભાઈ આદિ હરિભક્તો આવીને સ્વામીને પગે લાગીને આગળ બેસતાં જાય ને બાપાશ્રી પાછા ખસતાં જાય.
તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, “તમે પગે લાગી લાગીને નજીક બેસો છો અને આ અનાદિમુક્ત પાછા ખસતાં જાય છે તેમની તમે મર્યાદા સાચવતા નથી, પણ એ કેવા છે? તો જેતલપુરમાં સદ્. શ્રી ધ્રુવાનંદ સ્વામીને મહાપથારીમાંથી મહારાજને કહીને રખાવ્યા ને ચંદનની વૃષ્ટિ કરાવી એવા છે. શ્રીજીમહારાજ આ મુક્તનું માને છે. એવા મોટા છે તેમને તમે ગણતા નથી ને આગળ આગળ આવીને બેસો છો, પણ આ તો અનાદિ મહામુક્ત છે. તેમને શ્રીજીમહારાજે અનંત જીવોના મોક્ષને માટે મોકલ્યા છે.”
એવાં સ્વામીશ્રીનાં વચન સાંભળી ચીમનલાલ શેઠ આદિ સૌ ઊઠીને બાપાશ્રીને દંડવત કરી પ્રાર્થના કરવા લાગ્યા જે, “અમે તમને બીજા હરિભક્ત જેવા જાણીને મર્યાદા ન રાખી એ અપરાધ દયા કરીને માફ કરો.” પછી સ્વામીશ્રીને પણ પ્રાર્થના કરીને ચીમનલાલ શેઠે કહ્યું કે, “એમને મારી ભલામણ કરો જે મને અક્ષરધામમાં લઈ જાય.” પછી સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, “આ જીવ તમારો છે તેને અંત વખતે સંભાળી લેજો.” ત્યારે બાપાશ્રી કહે જે, “બહુ સારું, આપનું વચન માથે ચડાવશું.”
પછી ચીમનલાલ શેઠને બાપાશ્રીને વિષે ઘણું હેત થઈ ગયું તેથી હાથ જોડી વિનય કરી બાપાશ્રીને પોતાને ઘેર તેડી ગયા ને પુત્રની ઇચ્છા જણાવી. તેમનાં વિનયવચનથી બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, “મહારાજ તમારી ઇચ્છા પૂરી કરશે. આપણે તો શ્રીજીમહારાજને ઘડીએ વિસારવા નહિ.” એ આશીર્વાદથી તેમને હાલમાં જેઠાલાલભાઈ પ્રોફેસર છે તે દીકરા થયા. ।।૧।।