સંવત ૧૯૫૭ની સાલમાં લુણાવાડાના કાશીરામભાઈને શ્રીજીમહારાજ દર્શન આપી કહી ગયા જે, “તમને આજથી ચોથે દિવસે રાત્રિના સવા આઠ વાગે અમે તેડી જઈશું.” પછી તેમણે પોતાના મોટાભાઈ જે રણછોડલાલભાઈ મોરબીમાં સર ન્યાયાધીશ હતા તેમને તાર કરીને તેડાવ્યા ને વાત કરી જે, “મને આજ રાત્રે સવા આઠ વાગે શ્રીજીમહારાજ તેડી જવાનું કહી ગયા છે તે તેડી જશે.”
પછી રણછોડલાલભાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “કાશીરામભાઈને તેડી જવા દેશો નહિ.” ત્યારે બાપાશ્રીએ શ્રીજીમહારાજને વિનંતિ કરી જે, “કાશીરામભાઈને તેડી જશો નહિ.” તેથી મહારાજ તેડવા ન આવ્યા. ત્યારે કાશીરામભાઈએ મહારાજને પ્રાર્થના કરી.
પછી શ્રીજીમહારાજ દર્શન દઈને બોલ્યા જે, “તમારા મોટાભાઈની અપીલ અમારી પાસે અક્ષરધામમાં આવી છે, માટે અમારાથી તેડી નહિ જવાય; કેમ જે રણછોડલાલભાઈને વશ અમારા અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ છે ને એમને વશ અમે છીએ. માટે રણછોડલાલભાઈએ એમની પ્રાર્થના કરી ને તેમણે અમારી પ્રાર્થના કરી એટલે હવે અમારાથી તેડી જવાશે નહિ. જો રણછોડલાલભાઈ રજા આપે તો તેડી જઈએ.” એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા.
પછી સવાર થયું ત્યારે કાશીરામભાઈ દાતણ કરવા બેઠા. તે વખતે રણછોડલાલભાઈએ કહ્યું જે, “મહારાજ તમને તેડી ન ગયા ને હવે તમે સાજા થઈ જશો.” ત્યારે કાશીરામભાઈ બોલ્યા જે, “મને મહારાજે રાત્રિમાં દર્શન આપીને કહ્યું છે જે, ‘તમારા મોટાભાઈની અપીલ અમારા પાસે આવી છે જે કાશીરામભાઈને તેડી જશો નહિ.’ પણ મારે તો કોટિ ઉપાયે રહેવું નથી, માટે તમે રાજી થઈને રજા આપો તો મહારાજ મને તેડી જાય.” એમ બે દિવસ ઘણી પ્રાર્થના કરી. ત્યારે રણછોડલાલભાઈએ ત્રીજે દિવસે રજા આપી. પછી શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તેડી ગયા. ।।૧૬।।