3
21
gu
એક સમયને વિષે બાપુભાઈને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમારી સ્ત્રીને તથા મોટા દીકરાને અમે થોડાક દિવસમાં તેડી જઈશું.” ત્યારે બાપુભાઈએ કહ્યું જે, “આપની મરજી હોય તેમ કરો, પણ હાથે રસોઈ કરવી પડશે. મારા પિતાશ્રીને મોટા દીકરા ઉપર હેત બહુ છે તેથી તેમને પણ માઠું લાગશે. તે કરતાં નાનો દીકરો જન્મવાનો છે એમ આપ કહો છો તે દીકરાની આયુષ્ય કેટલી છે?”
ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “એની આયુષ્ય તો વધારે છે.” ત્યારે બાપુભાઈ કહે જે, “તેની આયુષ્ય આ મોટા દીકરાને આપીને નાનો દીકરો જન્મે ત્યારે તેને તેડી જાઓ તો ઠીક અને આપની મરજી હોય તો એની માને પણ તેડી જજો.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “સારું.” પછી મોટા દીકરાને રાખવાનું કર્યું ને બોલ્યા જે, “એની માને પણ એક વર્ષે તેડી જઈશું.” પછી બરાબર એક વર્ષ થયું ત્યારે તેને દર્શન આપીને તેડી ગયા. ।।૨૧।।