સંવત ૧૯૪૮ની સાલમાં અમદાવાદમાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા તે વખતે વૃષપુરમાં બાપાશ્રીએ પણ મંદવાડ ગ્રહણ કર્યો. જેથી સ્વામીશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે એક કાગળ ભુજના મહંત સદ્. સ્વામી અક્ષરજીવનદાસજી ઉપર લખાવ્યો જે, “વૃષપુરમાં અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. તેમનો ખાટલો મંદિરમાં રાખશે માટે તેમની સેવામાં તમો બે સાધુ તરત મોકલજો.” અને બીજો કાગળ બાપાશ્રી ઉપર પણ લખાવ્યો જે, “તમારો ખાટલો મંદિરમાં રાખજો અને ભુજથી બે સાધુ તમારી સેવામાં આવશે.”એવી રીતે બે કાગળ લખાવ્યા.
પછી ભુજથી સાધુ જગજીવનદાસજી તથા નારાયણચરણદાસજી વૃષપુર ગયા ને ખાટલો મંદિરમાં લાવ્યા. તે વખતે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા તેને દસ દિવસ થયા, પણ બહાર આવ્યા જ નહિ. ત્યારે સેવામાં રહેલા સાધુ તથા ગામના અને ફરતાં ગામોના સેવા કરનારા હરિભક્તોએ વિચાર કર્યો જે, “બાપાશ્રી કદાપિ બહાર નહિ આવે ને આમ ને આમ ધામમાં જતા રહેશે તો આપણે કાંઈ પ્રાર્થના નહિ થાય અને આશીર્વાદ પણ નહિ મંગાય. માટે જગાડીએ તો ઠીક.”
એમ વિચાર કરી બહુ બોલાવી હલાવીને જગાડ્યા ત્યારે બાપાશ્રીએ નેત્ર ઉઘાડીને કહ્યું જે, “મને શું કરવા જગાડ્યો?” ત્યારે સંત-હરિભક્તો બોલ્યા જે, “આપ ઊંડા ઊતરી ગયા હતા તે એમ ને એમ ધામમાં જતા રહો તો અમારે આપની પાસે આશીર્વાદ માગવા છે તે રહી જાય તે સારુ જગાડ્યા.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે એવા પરતંત્ર નથી; અમે તો સ્વતંત્ર છીએ. તેથી અમારે જવાનું થશે ત્યારે તમારા સર્વના મનોરથ પૂર્ણ કરીને જઈશું. માટે તમે કાંઈ ફિકર રાખશો નહિ ને અમને જગાડશો પણ નહિ.” એમ કહીને નેત્ર મીંચી ગયા.
તે એમ ને એમ સત્તર દિવસ થયા એટલે સંત-હરિભક્તો વિચાર કરવા લાગ્યા જે, “બાપાશ્રીએ આ ફેરે શું કરવા ધાર્યું છે તે કાંઈ ખબર પડતી નથી. આપણને કહ્યું છે જે તમારા મનોરથ પૂર્ણ કરીશું, પણ આમ ને આમ ક્યાં સુધી આપણી ધીરજ રહેશે?” પછી સૌએ મળી એમ વિચાર કર્યો જે આપણને બાપાશ્રીએ ના પાડી છે તેથી જગાડાય તો નહિ, પણ ભુજમાં સ્વામી અક્ષરજીવનદાસજીને ખબર આપીએ જે, “બાપાશ્રીનું શરીર રહે તેમ લાગતું નથી; માટે સંત-હરિભક્તોને દર્શન કરવાં હોય તે કરી જાઓ.”
પછી ભુજ મનુષ્ય મોકલીને ખબર પહોંચાડ્યા તેથી સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતો, બ્રહ્મચારી, પાર્ષદ સર્વે રાત્રે આઠ વાગે ભુજથી ચાલ્યા તે વૃષપુર આવીને બાપાશ્રીના ખાટલાને ફરતા બેઠા. પછી સ્વામીશ્રીએ પ્રાર્થના કરી, પણ બોલ્યા નહિ તેથી સંત-હરિભક્તો ફરતા બેસી રહ્યા. પછી સવારમાં ચાર વાગે બાપાશ્રી ખાટલેથી પોતાની મેળાએ ઊઠીને મહારાજને પ્રદક્ષિણાઓ ફરવા માંડ્યા ત્યારે બાપાશ્રી પડી જશે એમ જાણીને સામત્રાના મૂળજી ભક્તે ઝાલ્યા.
તેમને બાપાશ્રી કહે જે, “નહિ પડીએ, મૂકી દો.” એટલે તેમણે મૂકી દીધા. પછી પચીસ-ત્રીસ પ્રદક્ષિણાઓ ફરીને પચીસ-ત્રીસ દંડવત કર્યા અને પગે લાગીને સિંહાસન આગળ બેઠા ને બોલ્યા જે, “અમારો દાખડો નિષ્ફળ ગયો; કેમ જે અમારે અક્ષરધામમાં શ્રીજીમહારાજની આગળ સત્તાવીશ દિવસ ચોવટ ચાલી જે મને અક્ષરધામમાં લઈ જાઓ. ત્યારે મહારાજે છેલ્લીવારે હા પાડી, પણ સ્વામીશ્રી નિર્ગુણદાસજીએ ના પાડી ને સ્વામીશ્રીને લઈ જવાનું ઠરાવ્યું. માટે તમે સૌ મોટા મોટા સંત તથા હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરી આવો; પછી નહિ થાય.”
ત્યારે સંત અને હરિભક્તો બોલ્યા જે, “અષાઢ મહિનો બેઠો છે ને વરસાદ પણ આવું આવું થઈ રહ્યો છે, માટે આખરના દિવસમાં દરિયામાં તોફાનને લીધે હેરાન બહુ થવાય તેથી દિવાળી ઉપર જઈએ તો કેમ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ત્યાં સુધી સ્વામીશ્રી રહેશે નહિ.” ત્યારે હરિભક્તો કહે, “જન્માષ્ટમી ઉપર જઈએ તો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે દહાડે દરિયામાં તોફાન હશે માટે હાલ જાઓ; તમે દરિયામાં જરાય દુઃખી નહિ થાઓ. મારે પણ આવવાની તાણ ઘણી રહે છે, પણ મંદવાડને લીધે અવાશે નહિ. પણ તમે તો જાઓ અને સ્વામીશ્રીને અમારા જય સ્વામિનારાયણ કહેજો. એવા મોટા સંતનાં દર્શન ફેર મળે તેવાં નથી.” પછી સંત-હરિભક્તો અમદાવાદ આવ્યા ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રીને આસને આવી દંડવત કરવા લાગ્યા.
ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “તમે આટલા બધા સંત-હરિભક્તો આવ્યા અને જીવનપ્રાણ મુક્તરાજ કેમ ન આવ્યા?” ત્યારે રામપુરવાળા વશરામભાઈ બોલ્યા જે, “એ તો પડખું પણ બીજા ફેરવે ત્યારે ફરે એવા માંદા છે તેથી પોતે ન આવી શક્યા ને અમને મોકલ્યા ને આપને જય સ્વામિનારાયણ કહ્યા છે.” પછી સ્વામીશ્રી બોલ્યા જે, “એ તો કાલે બપોરે અહીં આવશે.” પછી બીજે દિવસે સંતોએ રસોઈ કરીને સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું કહ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “અમે તો અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આવશે ત્યારે તેમની સાથે જમશું.”
સભામાં પણ સૌ હરિભક્તોને સ્વામીશ્રીએ કહ્યું હતું જે, “આજે જરૂર ભાઈશ્રી ગાડીમાં આવશે. માટે જેને સામા જવું હોય તે જજો.” તેથી રેલ ઉપર ઘણા હરિભક્તો ગયા હતા. જ્યારે બાપાશ્રી ગાડીએથી ઊતર્યા ત્યારે સૌ મળ્યા ને ‘સ્વામીશ્રીએ અમને સભામાં વાત કરી હતી’ એમ કહી સાથે સાથે મંદિરમાં આવ્યા. પછી ઠાકોરજીનાં તથા સંતોનાં દર્શન કરીને સ્વામીશ્રી પાસે આવી દંડવત કરવા લાગ્યા ત્યારે સ્વામીશ્રી ઊભા થઈ ગયા ને બહુ હેત જણાવીને મળ્યા. તે વખતે બાર વાગ્યા હતા. બાપાશ્રીના તથા સ્વામીશ્રીના મંદવાડની પરસ્પર વાતો કર્યા પછી સ્વામીશ્રીએ કચ્છનાં સંત-હરિભક્તોને કહ્યું જે, “જુઓ! આ અનાદિ મુક્તરાજ આવ્યા.” ત્યારે સૌ સંત-હરિભક્તો રાજી થયા ને બાપાશ્રીને કહ્યું જે, “તમે બહુ માંદા હતા ને શી રીતે આવ્યા?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારા નીકળ્યા પછી અમને એમ સંકલ્પ થયો જે મારે પણ સ્વામીશ્રીનાં દર્શન કરવાં. એવો વિચાર કર્યો ત્યાં તો મંદવાડ મટી ગયો એટલે ભાતું કરાવ્યું. અર્ધી રાત્રિએ વાડીએ આવીને અણદા ભક્તના લાલજીને જગાડીને સાથે લઈને ચાલ્યા તે ખારીરોલે આવ્યા. ત્યાં વહાણ મળ્યું તેમાં બેસી ગયા ને વવાણીએ થઈને અહીં આવ્યા.”
ત્યારે સંત-હરિભક્તો બોલ્યા જે, “અમે ગઈ કાલે પહોંચ્યા ત્યારે અમને સ્વામીશ્રીએ કહ્યું હતું જે, ‘કાલે બપોરે અહીં આવશે.’ તે અમને એમ થતું જે આવો મંદવાડ ગયો છે ને બાપાશ્રી કેમ આવી શકે? પણ સ્વામીશ્રી કહેતા હતા તે પ્રમાણે જ તમે આવ્યા.”
પછી બાપાશ્રીએ નાહી પૂજા કરી એટલે સ્વામીશ્રી તથા બાપાશ્રીએ પાસે બેસીને ઠાકોરજીને જમાડ્યા. સાંજના પણ સ્વામીશ્રી પાસે ઘણીવાર બેઠા. બીજે દિવસે સવારે સ્વામીશ્રી પાસે આવીને બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તો બેઠા હતા. ત્યાં કથા-વાર્તા થઈ રહ્યા પછી સૌ સંત-હરિભક્તો સદ્. જ્ઞાનાનંદ સ્વામીના મેડા ઉપર જ્યાં ઉતારો હતો ત્યાં ગયા ને બાપાશ્રી તો સ્વામીશ્રી પાસે બેસી રહ્યા. હરે થયા એટલે સંતો જમવા ગયા.
તે વખતે સ્વામીશ્રી બોલ્યા જે, “આપનાં દર્શન મને બરાબર થતાં નથી, માટે મારી પાસે આવીને દર્શન આપો.” પછી બાપાશ્રી સ્વામીશ્રીની પાસે આવ્યા ત્યારે સ્વામીશ્રીએ ચશ્મા પહેર્યા ને બોલ્યા જે, “હજી બરાબર દર્શન થતાં નથી, માટે આંગડી કાઢી નાખો.” એટલે બાપાશ્રીએ આંગડી કાઢી કે તુરત તેજનો સમૂહ નીકળ્યો, તે ચારે કોરે તેજ તેજ છાઈ રહ્યું. એ જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, “અહોહો! આવા તમે તેજોમય મૂર્તિ છો! આ તો એકલું તેજ જ ભર્યું છે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમે પણ આવા જ તેજોમય છો.” એમ કહી તેજ સંકેલી લીધું ને આંગડી પહેરીને બેઠા.
તે વખતે મુળીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજી ઉપવાસી હતા તે સ્વામીશ્રી પાસે બેઠા હતા, તેમણે કહ્યું જે, “બાપજી, મને તેજ બતાવો ને!” પણ એમને તો ન બતાવ્યું. પછી સંતો જમીને આવ્યા ત્યારે આ બધી વાત સ્વામી બાલકૃષ્ણદાસજીએ સર્વેને કહી. પછી વચનામૃતની કથા વાંચીને સમાપ્તિ કરી સૌ પોતપોતાના આસને ગયા.
ત્યારે સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, “મહારાજ મને ધામમાં ક્યારે લઈ જશે તે સમાધિ કરીને પૂછો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “વૃષપુરમાં સત્તાવીસ દિવસ મહારાજ પાસે આપણી ચોવટ ચાલી હતી તે તમારો ઠરાવ થઈ ગયો છે ને હવે શું પૂછવાનું બાકી છે? આ લોકની રીત પ્રમાણે આવવાનું ને જવાનું કહેવાય છે, પણ આપણે તો મહારાજની મૂર્તિમાં જ રહ્યા છીએ ને સ્વતંત્ર છીએ તે બધુંય જાણીએ છીએ. મૂર્તિમાં રહ્યા થકા જ મહારાજના સંકલ્પથી દેખાઈએ છીએ.”
ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “એ તો આપણે બે જ જાણીએ, પણ સમાધિ કરો તો કેટલાકને આશ્ચર્ય થાય જે સમાધિમાં જઈને મહારાજને પૂછી આવે છે. માટે સમાધિ કરો તો ઠીક.” પછી બાપાશ્રીએ સમાધિ કરી ને સાંજના જાગ્યા ને પાંચ વાગે સંત-હરિભક્તોની સભા ઈસ્પિતાલના મેડા ઉપર સ્વામીશ્રીને આસને થઈ.
તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, “અમે ધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામી જેમ રસબસ રહ્યા છે તેવી રીતે આ સ્વામીશ્રી નિર્ગુણદાસજીને જોયા. અને શ્રીજીમહારાજે મને કહ્યું જે, ‘એ તો અનંત જીવોનાં કલ્યાણ કરવા અમારી ઇચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે એવા સમર્થ છે. અને તમારી પાસે સમાધિ કરાવીને પુછાવ્યું તે તો મનુષ્યચરિત્ર કરે છે.’ એમ શ્રીજીમહારાજે કહ્યું.”
એમ કહીને બોલ્યા જે, “આસો સુદ-૧ પડવેને રોજ રાત્રિએ એક વાગે સ્વામીશ્રી દેહોત્સવ કરશે. માટે સંતો તથા હરિભક્તો આ સ્વામીશ્રીનો મહિમા જાણી ખૂબ સેવા કરી લેજો. આ સેવા ફેર મળે એવી નથી. માટે ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાક કોઈ ગણશો નહિ.” એમ વાત કરી.
પછી કથા વાંચવા માંડી એટલાકમાં ઈશ્વરલાલભાઈ દર્શને આવ્યા, તે સર્વે હરિભક્તોના સોંસરા પડીને સ્વામીશ્રીના પગે અડવા ગયા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “આ મોટા મોટા હરિભક્તો બેઠા છે તેમની મર્યાદા રાખતા નથી?” ત્યારે ઈશ્વરલાલભાઈએ કહ્યું જે, “સ્વામી! આમાં મોટા કોણ છે? આ તો સર્વ કચ્છના કણબી છે. એમને તો હું ભુજમાં દીવાન હતો ત્યારથી ઓળખું છું.”
ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “આ અબજીભાઈ અખંડ મહારાજની મૂર્તિમાં રહ્યા છે તેમને તમારો પગ વાગ્યો તેથી શ્રીજીમહારાજનો અપરાધ થયો.” તે સાંભળીને ઈશ્વરલાલભાઈ તુરત બાપાશ્રીને દંડવત કરવા મંડી પડ્યા એટલે બાપાશ્રીએ ઊભા થઈને ઝાલી લીધા ને મળ્યા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે ઈશ્વરલાલભાઈએ સ્વામીશ્રીની પ્રાર્થના કરી જે, “બાપાશ્રીને મારે ઘેર પધારવાનું કહો. તમે મારા પરમ હેતુ છો, તે આ વાત મને સમજાવી. આવી મોટ્યપ તો હું જાણતો નહોતો.” એમ કહી બાપાશ્રીને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં તેમને બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણી વાતો કરી તેથી બહુ હેત થઈ ગયું. પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં જવા તૈયાર થયા ત્યારે સ્વામીશ્રી તથા સૌ સંત-હરિભક્તો બાપાશ્રીને મળ્યા.
તે વખતે સૌ સભાને સાંભળતાં સ્વામીશ્રીએ વાત કરી જે, “આ પુરુષની કોઈ જોડ નથી. શ્રીજીમહારાજે એમને અનેક જીવોના મોક્ષને માટે મોકલ્યા છે તેથી સૌ આ પુરુષનો જોગ-સમાગમ કરજો, પણ બીજે ક્યાંય ધોડા કરશો નહિ. સત્સંગમાં ક્યાંય આમના જેવા નથી.” એમ બોલ્યા. પછી બાપાશ્રી આદિક સંત-હરિભક્તો સૌ કચ્છમાં પધાર્યા. ।।૩।।