3
89
gu
એક સમયે માનકુવાથી બે બાઈઓ બાપાશ્રીને દર્શને જતાં ડુંગરામાં શ્રીજીમહારાજની પ્રસાદીનું સ્થાન છે ત્યાં આગળ વાતો કરતાં જતાં હતાં જે, “બાપાશ્રીનાં દર્શન કરશું પછી અન્ન-જળ લઈશું.” તે સાંભળી જુમલો નામનો જન હતો તેણે જાણ્યું જે, “આ કોઈક મહાત્મા પુરુષ પાસે જાય છે માટે હું પણ ભેળો જાઉં તો મારો મોક્ષ થાય.” એમ જાણી એક બાઈમાં પ્રવેશ કર્યો. પછી તે બાઈએ જાંબુડાવાળી નવી વાડીમાં આવી બાપાશ્રીનાં દર્શન કર્યા ત્યાં જે બાઈમાં જને પ્રવેશ કર્યો હતો તે બાઈ ધૂણવા લાગી. ત્યારે બાપાશ્રીએ પૂછ્યું જે, “તું કોણ છે?” ત્યારે તે બોલ્યોઃ “હું જુમલો છું, મારો મોક્ષ કરો. તમે બહુ મોટા છો અને હું મોક્ષ માટે જ આવ્યો છું.” પછી એને અક્ષરધામમાં પહોંચાડી દીધો. ।।૮૯।।